બચકરિયા ગામે રૂપિયા મામલે તકરાર થતાં પતિએ પોતાની બીજી પત્નીનું ગળુ ભીંચીને હત્યા કરી નાખી હતી. કૃત્ય છુપાવવા અને હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે પતિએ દોરડુ ગળામાં નાખીને લાશને વળી ઉપર લટકાવી દીધી હતી. જોકે, હત્યા બાદ ઘરનું બારણું બહારથી બંધ કરી દેતાં હાજર પૂત્ર અને પૂત્રીએ પુછપરછ કરતાં તેમને ધાક-ધમકી આપી હતી. અંતે આ બાબતે પૂત્ર-પૂત્રીએ ભંડાફોળ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
બચકરિયાના લાલભાઇ ભુરિયાને બે પત્ની છે. પ્રથમ પત્નીને વસ્તારમાં એક છોકરો અને એક છોકરી છે અને બીજી પત્નીને ચાર સંતાનો છે. 8 ફેબ્રુઆરીના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં બીજી પત્ની સાથે લાલસિંગે રૂપિયા મામલે તકરાર કરી હતી. ઝઘડો કરતો જોઇને લાલસિંગ તેને ઘરના અંદરના ઓરડામાં ધસડી ગયો હતો. આ વખતે આવેશમાં આવીને તેણે પત્નીનું ગળુ દાબીને હત્યા કરી નાખી હતી. આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા માટે તેણે ગળામાં દોરડુ બાંધીને પત્નીની લાશને વળી ઉપર લટકાવી દીધી હતી અને બહાર આવીને ઘરનું બારણું બંધ કરી દીધુ હતું.
આ વખતે હાજર પૂત્ર અને પૂત્રીએ દરવાજો બંધ કરવા મામલે પુછતાં તેણે બંનેને કોઇને કંઇ નહીં કહેવાનું જણાવી મોતની ધમકી આપી હતી. માતા ઘરમાં લટકતી જોવા મળતાં તેને માંચડેથી ઉતારવામાં આવી હતી. 108 બોલાવતા લાલસિંગ જ લાશ ઉંચકીને 108 સુધી લઇ ગયો હતો. જોકે, આ મામલે પાછળથી પૂત્ર રોહીત ઉર્ફે પીન્ટુભાઇએ પોલીસ સમક્ષ સાચી વાત જણાવી દીધી હતી. પોલીસે લાલસિંગ સામે હત્યા અને ગુનાઇત કૃત્ય અંગેનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.