ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી મેળવીને જીત હાંસિલ કરી છે. ત્યારે હવે ગાંધીનગર ખાતે નવી સરકાર રચવા માટે ભાજપે કવાયત તેજ કરી દીધી છે. નવી સરકાર રચવા માટે પાર્ટીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરી છે.
આજે કમલમમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠક માટે ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહીત ભાજપના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. આ બેઠકમાં નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થયા છે. હવે 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી યોજાશે.