મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ.630.34 કરોડનું માતબર સહાય પેકેજ જાહેર કર્યું છે. રાજ્યમાં 2022ની ખરીફ ઋતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના અભિગમથી આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.આ વર્ષે ભારે વરસાદને કારણે 14 જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું.
છોટાઉદેપૂર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ, ખેડા જિલ્લાઓના કુલ 50 તાલુકાઓના 2554 ગામોમાં પાક નુકશાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફતે રાજ્ય સરકારને મળ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અહેવાલોના સર્વગ્રાહી આકલન અને ખેડૂતો, ખેડૂત સંગઠનોની તથા પ્રજા પ્રતિનિધિઓની રજુઆતો સંદર્ભે સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને આ 630.34 કરોડ રૂપિયાના માતબર સહાય પેકેજની ઘોષણા કરી છે. રાજ્યમાં અંદાજે 9.12 લાખ હેક્ટર જમીન વિસ્તારમાં 8 લાખથી વધુ ધરતીપુત્રોને આ પેકેજનો લાભ મળશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિસ્તૃત વિગતો આપી હતી.
રાઘવજી પટેલે જણાવ્યું કે, આ સહાય પેકેજ અંતર્ગત એવું નિર્ધારીત કરવામાં આવ્યું છે કે 33 ટકા અને તેનાથી વધુ પાક નુકશાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને ખેતી પાકો માટે (કેળ સિવાયના) હેક્ટર દીઠ રૂ. 6800 સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં SDRF તેમજ સ્ટેટ બજેટમાંથી આપવામાં આવશે. જ્યારે કેળના પાકને થયેલા નુકશાન માટે કુલ રૂ. 30,000ની હેક્ટર દીઠ સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં (SDRF બજેટમાંથી રૂ.13500 પ્રતિ હેક્ટર ઉપરાંત રાજ્ય બજેટમાંથી વધારાની સહાય તરીકે રૂ.16500 પ્રતિ હેકટર) આપવાની જોગવાઇ આ પેકેજમાં કરવામાં આવેલી છે.