પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના બનાસકાંઠામાં આવેલા થરાદમાં રૂ. 8000 કરોડથી વધુના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ અહીં ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે ટીપ્પણી કરી હતી, કે ગઇકાલે મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનાના કારણે થયેલી જાનહાનિથી ગુજરાત અને સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઇ ગયો છે. દુઃખની આ ઘડીમાં આપણે સૌ પીડિત પરિવારોની સાથે છીએ.
તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી અને તેમની ટીમ રાહત કાર્ય માટે પૂરા દિલથી કામ કરી રહી છે. ગઇ કાલે રાત્રે ભૂપેન્દ્રભાઇ કેવડિયાથી સીધા મોરબી પહોંચ્યા હતા અને રાહત કાર્યનો દોરીસંચાર સંભાળ્યો હતો. હું સતત તેમના અને રાહત કાર્યમાં જોડાયેલા અધિકારીઓના સંપર્કમાં છું. તેમણે ઉમેર્યું હતું કે, “NDRFની ટીમ અને સશસ્ત્ર દળોના જવાનો પહોંચી ગયા છે. હું માતા અંબાજીની આ ભૂમિ પરથી ગુજરાતના લોકોને ખાતરી આપું છું કે રાહત કાર્યમાં કોઇ જ કસર બાકી રાખવામાં આવશે નહીં”.
પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ આ કાર્યક્રમ રદ કરવો કે નહીં તેઓ અંગે ઘણા અવઢવમાં હતા, પરંતુ બનાસકાંઠામાં પાણી પુરવઠાની યોજનાઓનું મહત્વ ધ્યાનમાં રાખીને અને લોકોના પ્રેમને આદર આપીને, તેમણે પોતાની ભાવનાને પ્રોત્સાહન આપ્યું અને રૂપિયા 8000 કરોડના મૂલ્યની આ પરિયોજનાઓના ઉદ્ઘાટન માટે આગળ આવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પરિયોજનાઓ બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સહિત ગુજરાતના છ કરતાં વધુ જિલ્લાઓમાં સિંચાઇની સુવિધામાં મદદરૂપ થશે.
ભૂતકાળમાં રાજ્યએ જે કઠિન સમયનો સામનો કર્યો છે તેને યાદ કરતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતની ખમીરવંતી જનતાની અદમ્ય ભાવના જ તેમને ગમે તેવા સંસાધનો સાથે કોઇપણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત આપે છે. નરેન્દ્ર મોદીએ આજે જિલ્લાનો કાયાકલ્પ કરનારા વિકાસ કાર્યોને ઉજાગર કરતા જણાવ્યું હતું કે, “બનાસકાંઠા આ બાબતનું જીવંત-જાગતું ઉદાહરણ પૂરું પાડે છે”.
પ્રધાનમંત્રીએ ઉત્તર ગુજરાતના હજારો જિલ્લાઓમાં ફ્લોરાઇડથી દૂષિત પાણી આવતું હતું તે સમયને યાદ કર્યો હતો અને જણાવ્યું હતું કે, પાણી સાથે સંકળાયેલી સમસ્યાઓ આ પ્રદેશમાં કૃષિ જીવન પર મોટી અસર પાડે છે. તેમણે માહિતી આપી હતી કે, એક સમયે એવી સ્થિતિ એવી હતી કે જો કોઇ જમીનમાલિક પોતાની જમીન વેચવા માંગતા હોય તો તેમને ખરીદનાર કોઇ મળતા નહોતા.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “જ્યારથી હું આ ભૂમિનો 'સેવક' બન્યો છું, તે અમારી જ સરકાર હતી જેમણે પ્રદેશની સમસ્યાઓ ઓળખી કાઢી હતી અને તેનો અંત લાવવા માટે અત્યંત સમર્પણ અને ઇમાનદારી સાથે કામ કર્યું હતું.” નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “અમે જળ સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, ચેકડેમ અને તળાવ બનાવ્યા છે.” પ્રધાનમંત્રીએ સુજલામ-સુફલામ યોજના, વાસ્મો યોજના અને પાણી સમિતિઓના ઉદાહરણો આપ્યા હતા. તેમણે મહિલાઓ દ્વારા નિભાવવામાં આવતી નિર્ણાયક ભૂમિકાને પણ રેખાંકિત કરી હતી જેના પરિણામે કચ્છ સહિત સમગ્ર ઉત્તર ગુજરાત પ્રદેશ ટપક સિંચાઇ અને પર ડ્રોપ મોર ક્રોપ મોડલથી વિકાસ થયો છે અને આ પ્રદેશમાં કૃષિ, બાગાયત તેમજ પ્રવાસનને વેગ મળ્યો છે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “એક તરફ આપણી પાસે બનાસ ડેરી છે જ્યારે બીજી તરફ 100 મેગાવોટનો સોલાર પાવર પ્લાન્ટ છે, આપણે પ્રદેશના દરેક ઘર સુધી નળનું પાણી પહોંચાડવાનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે.” નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટપક સિંચાઇ અને સૂક્ષ્મ સિંચાઇની ટેકનોલોજીઓએ તો સમગ્ર દેશનું ધ્યાન બનાસકાંઠા તરફ ખેંચ્યું છે અને તેણે વિશ્વવ્યાપી ઓળખ પણ મેળવી છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “આજે બનાસકાંઠા વિકાસના ઇતિહાસમાં પોતાનો અધ્યાય લખી રહ્યું છે.”
તેમણે માહિતી આપી હતી કે, બનાસકાંઠામાં લગભગ 4 લાખ હેક્ટર જમીન ટપક અને સૂક્ષ્મ સિંચાઇનો ઉપયોગ કરવા માટે સમર્પિત છે, જેના પરિણામે અહીં ભૂગર્ભ જળનું સ્તર હવે વધારે ઘટી રહ્યું નથી. તેમણે કહ્યું હતું કે, “આનાથી માત્ર તમને જ ફાયદો થયો છે એવું નથી પરંતુ ભવિષ્યની પેઢીઓનું જીવન પણ સુરક્ષિત બન્યું છે”. સુજલામ-સુફલામ યોજના પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ આ પ્રદેશના લોકોની પ્રશંસા કરી હતી કે, જેમણે પોતાના પ્રયાસો અને સમર્પણથી તમામ ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે અને સુજલામ-સુફલામ યોજનાને ભવ્ય સફળતા અપાવી છે.
છેલ્લાં 19થી 20 વર્ષોમાં કરવામાં આવેલા કામો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સુજલામ-સુફલામ યોજના અંતર્ગત સેંકડો કિલોમીટર લાંબી રિચાર્જ નહેરો બનાવવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પાઇપલાઇન નાખવાથી અને ભૂગર્ભ જળના વધતા સ્તરને કારણે ગામડાઓના તળાવો પણ ફરી સજીવન થયા છે. પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, જે બે પાઇપલાઇન બાંધવામાં આવનાર છે તેનાથી એક હજાર કરતાં વધુ ગામના તળાવોને ફાયદો થશે. પરિયોજનાઓના પ્લાન અંગે સમજાવતા, પ્રધાનમંત્રીએ આગળ જણાવ્યું હતું કે, મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવ સુધીની પાઇપલાઇન લંબાવવામાં આવી રહી છે અને ઊંચાઇવાળા સ્થળોએ ઇલેક્ટ્રિક પંપની મદદથી પાણી લિફ્ટ કરીને ઊંચાઇ પર પહોંચાડવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, નર્મદાની મુખ્ય કેનાલમાંથી ડિસ્ટ્રીબ્યુશન કેનાલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેનાથી થરાદ, વાવ અને સુઇ ગાંવ તાલુકાના લગભગ ડઝનેક ગામોને ફાયદો થશે. પાટણ અને બનાસકાંઠાના 6 તાલુકાના ઘણા ગામોને પણ કસરા-દાંતીવાડા પાઇપલાઇનનો લાભ પ્રાપ્ત થશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આગામી સમયમાં નર્મદા નદીના પાણીથી મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં પાણી આવશે. આનાથી બનાસકાંઠાના વડગામ, પાટણના સિદ્ધપુર અને મહેસાણાના ખેરાલુ તાલુકાને ફાયદો થશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કોઇને પાણી પીવડાવવું એ તો પુણ્યનું કામ માનવામાં આવે છે” અને તેમણે આગળ કહ્યું હતું કે, “જે પાણી આપે છે તે અમૃતનો વાહક છે અને તે અમૃત વ્યક્તિને અજેય બનાવે છે. લોકો તે વ્યક્તિને આશીર્વાદ આપે છે. આપણા જીવનમાં પાણીનું આટલું મહત્વ છે.'' આ સંદર્ભે થયેલા વિકાસ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કૃષિ અને પશુપાલનમાં નવી સંભાવનાઓના ઉદાહરણો રજૂ કર્યા હતા. તેમણે જમીનના વધતા ઉત્પાદનને કારણે ફૂલીફાલી રહેલા ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ પર પણ પ્રકાશ પાડ્યો હતો. નરેન્દ્ર મોદીએ થોડા મહિના પહેલાં જ્યારે બટાટાના પ્રસંસ્કરણ પ્લાન્ટનો શિલાન્યાસ થયો તે પ્રસંગ પણ યાદ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ આગળ ઉમેર્યું હતું કે “કેન્દ્ર સરકાર ખાદ્ય પ્રસંસ્કરણના ઉદ્યોગની સંભાવનાઓને વિસ્તૃત કરી રહી છે. ખેડૂત ઉત્પાદક સંઘો અને સખી મંડળોને આ ક્ષેત્ર સાથે સાંકળવામાં આવી રહ્યા છે”. તેમણે જણાવ્યું હતું કે, કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટનું નિર્માણ હોય કે પછી ખાદ્ય પ્રસંસ્કરણ પ્લાન્ટ નાંખવાનો હોય, આ બંધામાં સરકાર આવી સંસ્થાઓને કરોડો રૂપિયાની મદદ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમે એક દૂરંદેશી સાથે આગળ વધી રહ્યા છીએ જ્યાં ખેડૂત માત્ર દાડમના ઝાડનો માલિક નથી પણ જ્યૂસ ઉત્પાદન એકમમાં પણ તેનો હિસ્સો ધરાવે છે.
પ્રધાનમંત્રીએ સખી મંડળો પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેઓ આજે ફળો અને શાકભાજીથી લઇને અથાણાં, મુરબ્બાઓ અને ચટણીઓ સુધીના અનેક ઉત્પાદનોનું ઉત્પાદન કરી પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. તેમણે એ પણ નોંધ્યું હતું કે, સરકારે ઉદ્યોગનો વધુ વિકાસ કરવા માટે સખી મંડળોને ઉપલબ્ધ કરાવવામાં આવતી બેંકની લોનની મર્યાદા પણ વધારીને બમણી કરી દીધી છે. તેમણે ઉમેર્યું હતું કે, “આદિવાસી વિસ્તારોમાં વન ધન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે જેનાથી આદિવાસી મહિલાઓનું સખી મંડળ વન પેદાશોમાંથી શ્રેષ્ઠ ઉત્પાદનો બનાવી શકે”.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ રહી છે. તેમણે ખેડૂતોને ખાતર મળી રહે તે માટે સમગ્ર ભારતમાં એક જ બ્રાન્ડ નેમ ભારત લોન્ચ કરવાની પણ વાત કરી હતી, જેનાથી ખેડૂતોની મૂંઝવણ દૂર થઇ છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે, સરકાર ખેડૂતોને યુરિયાની થેલી 260 રૂપિયામાં ઉપલબ્ધ કરાવી રહી છે જ્યારે તેને આયાત કરવામાં ચુકવવી પડતી આંતરરાષ્ટ્રીય કિંમત 2000 રૂપિયાથી વધુ છે. તેવી જ રીતે તેમણે બનાસ ડેરીનો ફેલાવો ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ઓડિશા, આંધ્રપ્રદેશ અને ઝારખંડ સુધી થયો છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ગોબરધન, બાયો-ફ્યુઅલ જેવી યોજનાઓ પશુધનની ઉપયોગિતામાં વધારો કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, “સરકાર ડેરી ક્ષેત્રને મજબૂત કરવા માટે નિરંતર કામ કરી રહી છે”.
પ્રધાનમંત્રીએ દેશની સુરક્ષામાં બનાસકાંઠા જેવા વિસ્તારોની વધી રહેલી ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ડીસામાં નિર્માણ પામી રહેલા વાયુદળના હવાઇમથક અને નડાબેટમાં સીમા-દર્શન આ પ્રદેશમાં જીવનની ગુણવત્તામાં સુધારો કરી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે સરહદી જિલ્લામાં NCCના વિસ્તરણ અને વાઇબ્રન્ટ બોર્ડર વિલેજ પ્રોગ્રામ હેઠળ સરહદી ગામો પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હોવાની પણ માહિતી આપી હતી.
કચ્છના ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની સ્મૃતિમાં બનાવવામાં આવેલા સ્મૃતિ વન વિશે માહિતી આપતા પ્રધાનમંત્રીએ લોકોને અને બનાસ ડેરીના મેનેજમેન્ટને આ સ્મારકની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “રાષ્ટ્રનું ગૌરવ વધારતું, ગુજરાતનું ગૌરવ વધારતું દરેક કાર્ય કરવું એ ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતા છે. આપણી તાકાત સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસમાં રહેલી છે”.