Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત યુનિવર્સિટી હૉસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર કથિત હુમલાનો મામલો, અત્યાર સુધી શું સામે આવ્યું?

ગુજરાત યુનિવર્સિટી
, રવિવાર, 17 માર્ચ 2024 (12:07 IST)
social media
શનિવારે રાત્રે ગુજરાત યુનિવર્સિટીની હૉસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર કથિતપણે હુમલો કરી માર મરાયાનો મામલો સામે આવ્યો હતો.
 
‘ધ હિન્દુ’ના એક અહેવાલ પ્રમાણે અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર કેટલાક અન્ય વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
 
જ્યારે કેટલાક સ્થાનિક અહેવાલોમાં ગુજરાત યુનિવર્સિટીની હૉસ્ટેલમાં વિદ્યાર્થીઓનાં બે જૂથો વચ્ચે મારામારી થયાની જાણકારી અપાઈ હતી.
 
શનિવાર રાતથી જ આ ઘટનાના કેટલાક કથિત વીડિયો સામે આવ્યા હતા, જેમાં હુમલો કરનાર ટોળું વિદ્યાર્થીઓનાં વાહનોમાં તોડફોડ કરતાં અને પથ્થરમારો કરતાં દેખાતું હતું.
 
પ્રાથમિક માહિતી પ્રમાણે કેટલાક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત પણ થયા છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
 
ઘટનાસ્થળે ગત રાત્રે જ સ્થાનિક પોલીસ પહોંચી ગઈ હતી.
 
બીબીસી ગુજરાતીની ટીમ પણ મામલાની જાણ થતા રવિવારે ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે ટીમે કથિત હુમલાવાળી જગ્યાએ ટુ-વ્હીલર વાહનો તોડફોડ કરાયેલી અવસ્થામાં જોવા મળ્યાં હતાં. આ સિવાય હૉસ્ટેલના બ્લૉકમાં પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો જોવા મળ્યો હતો.
 
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર આ મામલે રાજ્ય સરકારના ગૃહવિભાગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. જોકે, એ અંગે સ્વતંત્રપણે કોઈ પુષ્ટિ થઈ શકી નથી.

 
 
બીબીસી હજુ સુધી ઘર્ષણ અને મારામારીનાં કારણોની પુષ્ટિ કરી શક્યું નથી. હુમલો કરનારા લોકો અંગે પણ માહિતી મળી શકી નથી.
 
કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા.
 
શું છે સમગ્ર મામલો?
ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે અજાણ્યા લોકોએ ગુજરાત યુનિવર્સિટીની હૉસ્ટેલમાં જ્યાં વિદેશી વિદ્યાર્થીઓના બ્લૉક પર હુમલો કર્યો હતો અને તેમના હૉસ્ટેલ રૂમને પણ નુકસાન પહોંચાડ્યું હતું અને હૉસ્ટેલના બિલ્ડિંગ તરફ પથ્થરમારો પણ કર્યો હતો.
 
જે વ્યક્તિએ આ ઘટનાનો કથિત વીડિયો ફિલ્માવ્યો હતો તેઓ તેમાં કહેતા સંભળાય છે કે, “આ બધું અમારી હૉસ્ટેલના એ બ્લૉકમાં થઈ રહ્યું છે... આ બધું અસ્વીકાર્ય છે. તેઓ અમને અમારી હૉસ્ટેલમાં મારવા આવી રહ્યા છે.”
 
આ મામલે ઑલ્ટ ન્યૂઝના ફૅક્ટચેકર મોહમ્મદ ઝુબૈરે ઘટનાના વાઇરલ વીડિયો ઍક્સ પર મૂકતાં લખ્યું હતું કે, “અફઘાનિસ્તાન, આફ્રિકા, ઉઝબેકિસ્તાન જેવા દેશોના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓનો દાવો છે કે તેમના પર પથ્થરમારો કરાયો અને તેમનાં વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.”
 
તેમણે લખ્યું હતું કે, “તેઓ હૉસ્ટેલના એ બ્લૉકમાં અંદર આવેલી જગ્યામાં રમજાનની નમાજ પઢી રહ્યા હતા. આ જગ્યા તેમને હૉસ્ટેલના વ્યવસ્થાતંત્ર દ્વારા જ આપવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓને ઈજા પણ થઈ હતી અને તેમને એસવીપી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમે વીડિયોમાં સાંભળી શકો છો કે ટોળું ધાર્મિક નારા લગાવી રહ્યું છે.
 
 
કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે પણ આ ઘટના અંગે ઍક્સ પર લખ્યું હતું કે, “લોકતાંત્રિક બિનસાંપ્રદાયિક મહાન ભારતમાં વસુધૈવ કુટુમ્બકમનો નારો આપનાર લોકોના શાસનમાં જ ગુજરાત યુનિવર્સિટીના વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ પર હુમલાના મામલામાં હું અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ન્યાયની માંગણી કરીએ છીએ.”
 
પોલીસે શું કહ્યું?
ગુજરાત યુનિવર્સિટી વિદેશી વિદ્યાર્થીઓ હિંસા બીબીસી ગુજરાતીઇમેજ સ્રોત,ANI
અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, “ગુજરાત યુનિવર્સિટીમાં અંદાજે 300 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ભણે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ આફ્રિકાથી છે, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના પણ વિદ્યાર્થીઓ છે. અંદાજે 75 લોકો અહીં આ હૉસ્ટેલમાં રહે છે. રાત્રે કેટલાક વિદ્યાર્થીઓ બહાર ઓટલા પાસે નમાજ પઢી રહ્યા હતા. એ સમયે કેટલાક લોકો આવ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે અહીં કેમ નમાજ પઢો છો? ત્યારબાદ તેમની સાથે બોલાચાલી થઈ હતી અને પછી આ મારામારી અને ઘર્ષણની ઘટના સામે આવી છે.”
 
તેમણે કહ્યું હતું કે રાત્રે 10.51 સમયે પોલીસને આ ઘટનાની જાણ કરતો ફોન આવ્યો હતો અને તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી.
 
પોલીસ કમિશનરે કહ્યું હતું કે, “મોટાભાગના આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જ તેમની ધરપકડ થશે. કુલ 25 લોકોએ પથ્થરમારો કર્યો હતો. અહીંના સિક્યોરિટી ગાર્ડે ફરિયાદ કરી છે અને પોલીસે રાત્રે જ એફઆઈઆર નોંધી છે.”

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM મોદી સામે આચારસંહિતા ભંગની ફરિયાદો વિશે મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું?