અમદાવાદ સેશન્સ કોર્ટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલા માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને આમઆદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની મેટ્રો કોર્ટના સમન્સ રદ કરવાની રિવિઝન અરજી ફગાવી દીધી છે. હવે બંને પાસે માત્ર હાઈકોર્ટનો વિકલ્પ બચ્યો છે. વડાપ્રધાન મોદીની ડિગ્રી માંગવાના કેસમાં યુનિવર્સિટી દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસની અરજી પર કોર્ટે બંને સામે સમન્સ ઈશ્યુ કર્યા હતાં. જેને બંને આરોપીઓએ સેશન્સ કોર્ટમાં પડકાર આપ્યો હતો. આજની સુનાવણીમાં કોર્ટે બંનેની સમન્સ રદ કરવાની અરજી ફગાવી દેતાં બંને આરોપીઓને ઝટકો મળ્યો છે. બંને આરોપીઓ સામે આ કેસમાં હવે 23 સપ્ટેમ્બરની મેટ્રો કોર્ટની મુદતમાં વધુ કાર્યવાહી ચાલશે. જેમાં સાક્ષીઓને તપાસવાની કાર્યવાહી કરાશે.
મેટ્રો કોર્ટમાં કેજરીવાલ અને સંજયસિંહના વકિલે અંડરટેકિંગ આપતાં બંને જણાએ કોર્ટમાં ઉપસ્થિત રહેવામાંથી રાહત મળી છે. બંનેની રિવીઝન અરજી પર સેશન્સ કોર્ટે અગાઉ તેમના વકીલને અઢી કલાક સુધી સાંભળ્યા હતાં. જ્યારે ફરિયાદી પક્ષના વકીલે અડધો કલાક જેટલી દલીલો કરી હતી. હવે મેટ્રો કોર્ટમાં વધુ કાર્યવાહી ચાલશે અને બંને આરોપીઓ સામે હાઈકોર્ટનો વિકલ્પ ખુલ્લો છે.