સુરતમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ, રાજ્યમાં 100 મરઘી, 10થી વધુ કબૂતર, 8 મોર અને 10 ટિટોડીનાં મોતથી પશુપાલન વિભાગ દોડતો થયો
, સોમવાર, 11 જાન્યુઆરી 2021 (10:01 IST)
બર્ડ ફ્લૂના ફફડાટ વચ્ચે પોરબંદરના રાણાવાવ તાલુકાના વાડી વિસ્તારમાંથી દોઢ દિવસમાં 8 જેટલાં મોર પક્ષીઓના મૃતદેહ મળી આવતાં પશુપાલન વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યાં છે અને પૃથક્કરણ માટે મધ્યપ્રદેશના ભોપાલની લેબ ખાતે મોકલ્યા છે. જ્યારે 7 મોર બીમાર હાલતમાં મળી આવતા તેની સારવાર શરૂ કરી છે. રાજ્યમાં રવિવારે 8 મોર, 10થી વધુ કબૂતર, 100 જેટલી મરઘી અને 10 ટીટોડીના મોત થયા હોવાનું સામે આવ્યું છે. સુરત જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાની સાથે જ તંત્ર હરકતમાં આવ્યું છે. બારડોલી તાલુકાનાં મઢી ગામેથી મળેલા મૃત કાગડાઓના ભોપાલ ખાતે મોકલાયેલા સેમ્પલનો રિપોર્ટ રવિવારે બપોર બાદ આવતા કાગડાઓના મોત બર્ડ ફ્લૂથી થયા હોવાની પુષ્ટિ થઈ છે. હાલ બર્ડ ફલૂએ દેખા દીધી છે જેને પગલે પોરબંદર જિલ્લાના જળ પલ્લવિત વિસ્તારોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પક્ષીઓના મૃતદેહ જોવા મળે તો વનવિભાગ તંત્રને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા દોઢ દિવસમાં રાણાવાવ તાલુકાના વાડી વિસ્તાર માંથી 8 મોરના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં રાણાવાવ ગોવાણી વિસ્તારમાં માલદેભાઈની વાડીમાંથી 5 મોર મૃતદેહ હાલતમાં તથા 2 મોર પેરેલાઈઝડ હાલતમાં મળી આવ્યા હતા. રામગઢ ગામના રાજુભાઇ પરબતભાઇ મોઢવાડિયાની વાડીની બાજુના વિસ્તારમાં 1 મોર મૃત હાલતમાં તથા બીમાર હાલતમાં 4 મોર મળી આવ્યા છે. અન્ય 2 મોર મૃત હાલતમાં તથા 1 મોર બીમાર હાલતમાં વાડી વિસ્તારમાંથી મળી આવ્યા છે. આમ રાણાવાવ તાલુકા માંથી દોઢ દિવસમાં કુલ 8 મોરના મૃતદેહ તથા 7 મોર પેરેલાઈઝડ હાલતમાં મળી આવતા વનવિભાગ તંત્ર અને પશુપાલન વિભાગ તંત્ર હરકતમા આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે છેલ્લા થોડા દિવસો દરમિયાન 100 જેટલી મરઘીઓઓના શંકાસ્પદ મોત થયાનો મામલો સામે આવ્યો હતો જેના પગલે પશુપાલનના અધિકારીઓ ઘટનાસ્થળે મોબાઇલ લેબ સાથે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં મરઘીઓના મોત પાછળ બર્ડ ફ્લૂની દહેશત ન હોવાનું પ્રાથમિક કારણ જણાતું હોવાનું પશુપાલન અધિકારીઓએ જણાવ્યું છે.જૂનાગઢ ખાતેથી પશુપાલનના નાયબ નિયામક ડો.વઘાસીયાએ તપાસ અંગે જણાવ્યું કે, મરઘા ફાર્મમાં બીમારીના કારણે 18 જેટલી મરઘીઓના મોત થયા છે જ્યારે થોડા દિવસો પહેલા મરઘા ફાર્મની અંદર શિયાળ ઘુસી આવી શિકાર માટે મરઘા ઉપર હુમલો કરતા 80 જેટલી મરઘીઓ ઇજાગ્રસ્ત થયેલ હતી.ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામ પાસે ભાદર ડેમના કાંઠે આઠથી દસ ટિટોડી મૃત હાલતમાં મળી આવતા વનવિભાગે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ વેટરનરી હોસ્પિટલ ખસેડ્યા છે.
આગળનો લેખ