મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે પોતાના મુખ્યમંત્રી કાર્યાલયના સ્ટાફના તમામ અધિકારી, કર્મચારીઓ અને સેવક મિત્રોને મળીને પાંચ વર્ષ સુધી રાત દિવસ જોયા વિના ખડપગે રહીને ગુજરાતીઓની સેવા કરવામાં યથાયોગ મદદરૂપ થવા બદલ સૌનો આભાર માની તમામને શુભેચ્છાઓ આપી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ પાંચ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામ કરી સહકાર આપી સરકાર અને મુખ્યમંત્રી કાર્યાલયની ગરીમા વધારવા બદલ સૌ કર્મયોગીઓનો દિલથી આભાર માન્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ મેં મારી દીકરીએ લખેલી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાંચી હતી. એ પોસ્ટમાં દીકરીએ પોતાની ભાવના વ્યક્ત કરી છે. મને ગર્વ છે કે મારી દીકરીના વિચારો ખૂબ જ સારા છે, એટલે મુખ્યમંત્રી બાદ પાર્ટી મને જે કઈ જવાબદારી સોંપશે એ હું એવી જ નિષ્ઠાથી કરીશ. જાહેર જીવનમાં પ્રજા સાથે એક કોમનમેન તરીકે હંમેશાં હું રહ્યો છું, હજી પણ મારી ભૂમિકા ભજવીશ અને આગામી 2022ની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવા વિજયભાઈની ભૂમિકા એક સૈનિક તરીકે અવશ્ય રહેશે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સંવેદનશીલ મુખ્યમંત્રી રૂપાણીની કામ કરવાની અલગ શૈલી, સહજતા, પરિવારની ભાવના, કોમનમેનની ઓળખ, સૌને સાથે લઈને ચાલવાની કાર્યપદ્ધતિના પરિણામે આજે કર્મયોગીઓ ભાવુક થતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.
મુખ્યમંત્રીના કાર્યકાળમાં ખૂબ જ સહજ રીતે કામ કરવાના અનુભવો પણ કર્મયોગીઓ વાગોળી મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ વેળાએ સ્ટાફના સૌ અધિકારીઓ- કર્મચારીઓ મુખ્યમંત્રીને દિલથી શુભેચ્છાઓ આપી સ્વસ્થ આરોગ્યની કામના કરી ગુજરાતની પ્રજાને સેવા કરવાની પ્રભુ ખૂબ શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.