એશિયાની સૌથી મોટી હોસ્પિટલ એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફાળવવામાં આવેલી કેન્ટીનમાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળે છે. અહીંની કેન્ટીન કેટલી હદે ગંદી હોય છે તે દર્શાવવા માટે જાગૃત નાગરિકે વીડિયો રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં પણ જોઈ શકાય છે કે કચરાના થર જામી ગયા છે તો સાથોસાથ અંદર ઉંદર બિનધાસ્ત રીતે ફરીને તડબૂચ પણ ખાઈ રહ્યા છે. કેન્ટીનમાં રાખવામાં આવેલી વસ્તુઓના ડબ્બા પણ ખુલ્લા પડ્યા હોવાથી ઉંદર ત્યાં પણ આંટાફેરા કરતા જોવા મળ્યા છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયા બાદ સિવિલના સત્તાવાળા પણ દોડતા થયા છે.સિવિલમાં જ્યાં દર્દીઓ સાજા થવાની આશાએ દાખલ થતા હોય છે ત્યાંની કેન્ટીનમાં જ આવી રીતે ઉંદર આંટાફેરા મારીને વસ્તુઓની જયાફત ઉડાડે છે. ઉંદરે ખાધેલા તડબૂચનો જ્યૂસ પણ અહીંથી દર્દીઓ માટે લઈ જવામાં આવ્યો હોઈ શકે. ત્યારે સવાલ એ થાય છે કે કેન્ટિન સત્તાવાળાઓની આવી બેદરકારીથી રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? આ વીડિયો વાઈરલ થતાં જ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ તાત્કાલિક હોસ્પિટલ કેન્ટીનને બંધ કરાવી દીધી છે. આ ઉપરાંત તેમણે તમામ વસ્તુઓને પણ અખાદ્ય ગણીને તેનો નાશ કરાવ્યો છે. હવે આ અંગે કમિટી દ્વારા કેન્ટીન સામે શું પગલાં લેવા તે માટેની પણ કવાયત હાથ ધરાઈ છે.