રાજકોટમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. તેવામાં રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી વાહનચાલકો બેફામ બન્યા હોય તેમ દરરોજ અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. ત્યારે મંગવારે સવારે યુનિવર્સિટી રોડ ઉપર મહિલા કારચાલકે પંચાયત ચોકમાં બે વિદ્યાર્થીને હડફેટે ચડાવી મહિલા ફરાર થઇ ગઇ હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલી એક વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એક છાત્રાને સારવાર માટે ખસેડવામાં આવી છે.
મળતી વિગત મુજબ મેવાસા ગામની વતની અને હાલ યુનિવર્સિટી રોડ ઉપર રૂમ ભાડે રાખી મહિલા કોલેજમાં અભ્યાસ કરતી ચાર્મી વિઠ્ઠલભાઇ વઘાસીયા નામની 19 વર્ષની યુવતી તેની રૂમ પાર્ટનર અમરેલી તાલુકાના મોણપર ગામની ગોપી અશ્ર્વિનભાઇ પડસાલા (ઉ.વ.18) અને નેન્સીબેન દિનેશભાઇ સાપરીયા (ઉ.વ.19) કોલેજમાં જવા માટે પોતાના રૂમથી ચાલીને પંચાયત ચોકમાં સીટી બસ સ્ટોપ સુધી જઇ રહી હતી ત્યારે પાછળથી મહિલા કારચાલકે બે વિદ્યાર્થીનીને હડફેટે લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલી ચાર્મીબેન વઘાસીયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલી ગોપી પડસાલાને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે જાણ થતા યુનિ. પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. અકસ્માત સર્જનાર કારચાલક સામે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.