આગામી માર્ચ મહિનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ ધ્યાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર હશે. મોદી માર્ચ મહિનાથી ગુજરાતમાં પ્રચારસભાઓ સંબોધવાનું શરૂ કરી દેશે. અલબત્ત, હજુ ગુજરાત વિધાનસભાની ચાલુ ટર્મ ડિસેમ્બરમાં પૂરી થઇ રહી છે, એ પહેલાંથી જ મોદી માર્ચથી શરૂ કરી ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી ગુજરાતમાં નિયમિત પ્રવાસ કરી પ્રચારસભાઓ કરશે.
ગુજરાત ભાજપની પ્રદેશ સ્તરની એક બેઠકમાં આ વાત આગલી હરોળના નેતાઓને કરી હતી. અલબત્ત, મોદીના પ્રવાસ અંગે કોઇ વિધિવત્ જાહેરાત કરાઈ નથી. આ દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વહેલી આવે એવી અટકળો શરૂ થઇ ગઇ છે. ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પૂરી થયા બાદ મોદી ગુજરાતના રાજકારણમાં સંપૂર્ણ પ્રવૃત્ત થઇ જશે. ભાજપના નેતા અનુસાર, આ રેલીઓની જવાબદારી વિવિધ મોરચાને સોંપાઇ છે અર્થાત જે-તે મોરચા અનુસાર, યુવા મહિલાઓ, ઓબીસી, અનુસૂચિત જાતિ-જનજાતિ વગેરે વર્ગના મતદાતાને ધ્યાને રાખીને આ પ્રચારસભાનું આયોજન થશે.
સામાન્ય રીતે વડાપ્રધાન કોઇપણ રાજ્યમાં ચૂંટણીલક્ષી પ્રચારસભાઓ ત્યારે જ કરે, જ્યારે ચૂંટણીઓ નજીક હોય અને એ જોતાં માર્ચથી શરૂ થઇ રહેલો તેમનો ગુજરાત પ્રવાસ આ ઇશારો જ કરે છે. મોદીના ગુજરાત પ્રવાસ પહેલાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાતના દરેક જિલ્લે પ્રવાસ કરવા નીકળી રહ્યા છે. એક જિલ્લામાં એક દિવસ શીર્ષક તળે પાટીલની આ ગુજરાતયાત્રા યોજાવા જઇ રહી છે. આ દરમિયાન મોદીના પ્રવાસ પૂર્વે પાટીલ દરેક જિલ્લામાં ત્યાંની રાજકીય પરિસ્થિતિ અને સંગઠનની સ્થિતિનું આકલન કરશે. જાન્યુઆરીના અંતથી આ પ્રવાસ શરૂ થશે, જે એક મહિના કરતાં વધુ દિવસ ચાલશે.