3 દિવસમાં જ રાજ્યમાં વધુ 11 નવા જિલ્લામાં કોરોનાના નવા કેસો આવવા લાગ્યા
ડાંગ, બોટાદ, છોટાઉદેપુર તથા પાટણમાં 21મી ડિસેમ્બરથી 2 જાન્યુઆરી વચ્ચે એકપણ કેસ નથી આવ્યો
કોરોના-બોમ્બ પર બેઠા છે આ 6 જિલ્લા
ગુજરાતના 6 જિલ્લા આણંદ, કચ્છ, ખેડા, વલસાડ, નવસારી અને ગાંધીનગરમાં વધતો કોરોના ચિંતા વધારી રહ્યો છે. 21થી 27 ડિસેમ્બર વચ્ચે આણંદમાં 28 કેસ, ગાંધીનગરમાં 16 કેસ, કચ્છમાં 23 કેસ, ખેડામાં 26 કેસ, વલસાડમાં 33 કેસ, નવસારીમાં 21 કેસ નોંધાયા હતા, જ્યારે 28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી વચ્ચે 6 દિવસમાં આ જિલ્લાઓમાં અનુક્રમે 138, 101, 85, 124, 90, 65 કેસ નોંધાયા છે, જે 4 ગણાથી લઈને 27 ગણા સુધીનો વધારો દર્શાવે છે.
12-13 જિલ્લાથી 24 જિલ્લામાં ફેલાયું સંક્રમણ
રાજ્યમાં આવતા નવા કેસોની વાત કરીએ તો 21 થી 24 ડિસેમ્બર સુધી જે 12-13 જિલ્લામાં દૈનિક કેસો આવતા હતા, એ 28મી ડિસેમ્બરથી વધીને 24 જિલ્લા સુધી થઈ ગયા. આમ, 3 દિવસમાં જ વધુ 11 નવા જિલ્લામાં કોરોનાના કેસો આવવા લાગ્યા છે. એવામાં ફરીથી નાનાં શહેરો અને ગામડાંમાં કોરોનાનું સંક્રમણ ફેલાતાં બીજી લહેર વખત જેવી હોસ્પિટલોની બહાર લાઈનો લાગવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે.