કોરોનાના ત્રીજા વેવમાં બાળકો મોટી સંખ્યામાં સંક્રમિત થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર-જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલોમાં અને તબીબો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને આઇસીયુ બેડની સંખ્યા વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.ત્યારે સરકારી હોસ્પિટલો એસએસજી અને ગોત્રી હોસ્પિટલમાં પણ વિશેષ તૈયારીઓ શરૂ કરાઇ છે. આ બંને સરકારી હોસ્પિટલોમાં આઇસીયુમાં વિશેષ પેઇન્ટિંગ્સ-ડ્રોઇંગ્સ તૈયાર કરવામાં આવ્યાં છે. જ્યારે રિકવરી રૂમમાં બાળકોને ગમતા વિવિધ રમકડાઓ અને એક રૂમમાં ટીવી મૂકવામાં આવ્યું છે.આ નવી ક્ષમતા માટે હોસ્પિટલોને જરૂરી
વેન્ટિલેટર, હાઇફ્રિકવન્સી કેનોલા, મલ્ટીપેરા અને સીપેપ તથા ઇન્ફ્યુઝન પંપ જેવા સાધનો રાજ્ય સરકાર પાસે મંગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત હોસ્પિટલ પાસે ફાયર એનઓસી છે કે નહીં, કોરોનાના બાળદર્દીઓ હોસ્પિટલ કે તબીબ દાખલ કરવા માગે છે કે નહીં તેની પણ માહિતી પૂછવામાં આવી રહી છે.તબીબોએ જિલ્લા પ્રશાસનની પણ મદદ આ તમામ બાબતોમાં માગી હોવાનું જાણવા મળે છે.
વડોદરામાં હાલમાં ખાનગી હોસ્પિટલમાં 2000 જેટલા બેડ બાળકો માટેના છે. અને સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા 50થી વધારીને 200 કરવામાં આવી રહી છે. ત્રીજા વેવમાં કેટલા બાળદર્દીઓ આવી શકે છે તેની શક્યતા માટે હાલમાં તબીબોમાં સરવે ચાલી રહ્યો છે. એસએસજી હોસ્પિટલના બાળ વિભાગના ડો.શીલા ઐયરે જણાવ્યું કે, બાળદર્દીઓ રિકવર થાય ત્યાર બાદ તેમને ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (ડીઆઇસી)અને ન્યૂટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટર (એનઆરસી)માં મૂકવામાં આવે છે. ત્યાં અમે બાળદર્દીઓને ધ્યાનમાં રાખીને ડીઆઇસીમાં રમકડા મૂક્યાં છે. ત્યાં એક ટેલિવિઝન પણ મૂકવામાં આવ્યું છે. આઇસીયુમાં આમ ન કરી શકાય પણ જે બાળકોને કોરોના મટ્યા પછી મેડિકલી દેખરેખ રાખવા માટે તેમને અહીં રખાય છે. ત્યારે તેમનું મન અન્યત્ર વળે તે માટે આ ફેરફાર કરાઈ રહ્યો છે.