અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળતાભર્યો કિસ્સો બન્યો છે. ડોક્ટર્સે દેવદૂત સમાન ભૂમિકા ભજવીને એક નિઃસંતાન મહિલાના ઘરે નાના શિશુનો ખિલખિલાટ ગૂંજતો કરવામાં નિમિત્ત બન્યાં છે. લગ્ન પછીના 18 વર્ષ સુધી મહિલાને જીવનની તમામ ખુશીઓ મળી પણ તેમને વિધાતાએ સંતાનના સુખથી વંચિત જ રાખ્યા હતાં. 18 વર્ષના લગ્નજીવનમાં જશોદાબહેનને પાંચ વખત ગર્ભ રહ્યો, પણ સુખ જાણે ઊંબરા સુધી આવીને પાછું વળી જતું હોય તે રીતે દરેક વખતે પ્રસુતિ નિષ્ફળ રહી હતી. જોકે વર્ષ 2020 સમગ્ર દુનિયા માટે કોરોનાની મહામારી લઇને આવ્યું હતું, પણ આ એ જ વર્ષ હતું કે જે કોકિલાબહેન માટે સંતાનનું વરદાન લાવ્યું હતું! કોકિલાબહેનને વર્ષ 2020માં ફરીવાર ઓધાન રહ્યું. પણ નસીબ વધુ એક વખત એક મોટો વળાંક લેવાનું હતું તે કોકિલાબહેન અને તેમના પરિવારને કદાચ ખબર નહોતી! નવેમ્બર 2020માં કોકિલાબહેનને સાડા છ મહિનાની ગર્ભાવસ્થામાં જ પ્રસુતિની પીડા ઉપડી. આ વખતે કોકિલાબહેન અને તેમના પરિવારને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આશાનું કિરણ દેખાયું! પરિવારજનો કોકિલાબહેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યાં. સિવિલ હોસ્પિટલ આવ્યા બાદ કોકિલાબહેનના ગર્ભમાંથી પાણી છૂટી ગયું જેને તબીબી શૈલીમાં પ્રિ-મેચ્યોર રક્ચર ઑફ મૅમ્બ્રન્સ કહેવાય છે. આવી સ્થિતિમાં સામાન્ય પ્રસુતિ લગભગ અસંભવ હોય છે. હવે અહીંથી ડોક્ટર્સની દેવદૂત તરીકેની ભૂમિકા શરૂ થઈ, જેને અમદાવાદ સિવિલના તજજ્ઞ તબીબોએ બખૂબી નિભાવી અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ 42 વર્ષની વયના કોકિલાબેનને માતૃસુખ આપવાનું બીંડુ ઝડપ્યું. હવે કોકિલાબહેનના નસીબ અને તબીબોની તજજ્ઞતા વચ્ચે જંગ છેડાયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના એસોસિએટ તબીબ ડૉ. તેજલ પટેલ અને મદદનીશ પ્રાધ્યાપક ડૉ. શિતલ કાપડીયાની ટીમ દ્વારા કોકિલાબેનનું સિઝેરીયન કરવામાં આવ્યુ. અહીં નોંધવું જરૂરી છે કે સાડા છ માસની પ્રિમેચ્યોર પ્રસુતિના કિસ્સામાં બાળકના જીવતા રહેવાની શક્યતાઓ નહિવત્ જ હોય છે. જો બાળક જન્મે તો પણ ઓછા વજન સાથે જ જન્મતા હોય છે. સિઝેરિયન બાદ જ્યારે બાળક જનમ્યુ ત્યારે તેનું વજન માત્ર એક કિલોગ્રામ હતું. આ એક કિલોગ્રામના બાળક માટે પણ કોકિલાબહેનને 18 વર્ષ સુધી આતુરતાથી રાહ જોવી પડી હતી. કોકિલાબહેને ઊંડે સુધી ભરોસો હતો કે મારું બાળક જીવશે. તેમને કદાચ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો પર ભરોસો હતો કે તેઓ બાળકને બચાવી લેશે. અને થયું પણ તેવું જ! તબીબોએ આ બાળકને મોતથી બચાવવા 51 દિવસ સુધી રીતસરનો જંગ છેડ્યો. ઓછુ વજન હોવાના કારણે કોકિલાબહેનના બાળકને સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડૉ. બેલા શાહ અને મદદનીશ પ્રાધ્યાપક ડૉ. સોનુ અખાણીના માર્ગદર્શન હેઠળ N.I.C.U.ની સારસંભાળમાં રાખવામાં આવ્યાં. 51 દિવસ સુધી આ તબીબોની સતત અને સન્નિષ્ઠ દેખરેખ અને સતત સારસંભાળ અને મહેનતના કારણે બાળક સંપૂર્ણપણે સ્વસ્થ થયું અને હવે કોકિલાબહેન સાથે તેમના ઘરે પા પા પગલી માંડવા જઈ રહ્યું છે. લાંબા સમય સુધી માતૃત્વથી વંચિત રહેલી એક માતાને અમદાવાદ સિવિલ હોસ્પિટલના તજજ્ઞ તબીબોએ માતૃત્વના સુખથી રૂબરૂ કરાવીને આરોગ્ય ક્ષેત્રે ગુજરાત સરકારના નિર્ણાયક અભિગમને વધુ બળકટ બનાવ્યો છે.