રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં અસરકારક મોનિટરિંગ માટે આપવામાં આવેલા ટેબલેટ સ્કૂલ મર્જ થાય અથવા તો બંધ થાય તો વિભાગમાં જમા કરાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ શિક્ષણ અધિકારી દ્વારા ટેબલેટ અંગેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાં છે. જિલ્લાના ગ્રાન્ટેડ સ્કૂલો ભવિષ્યમાં મર્જ થાય અથવા તો બંધ થાય ત્યારે અસરકારક વહિવટ કરવા માટે આપવામાં આવેલા ટેબલેટ વિભાગમાં જમા કરાવવાના રહેશે. તે ઉપરાંત સ્કૂલોએ સ્કૂલના વહિવટ માટે તેમજ શૈક્ષણિક હેતુ માટે ટેબલેટ સ્કૂલોમાં જ રાખવાના રહેશે તેવો પણ આદેશ આપવામાં આવ્યો છે. સ્ટેટ પ્રોજેક્ટ કચેરી દ્વારા સ્કૂલોમાં ટેક્નોલોજીના માધ્યમથી અસરકારક મોનિટરિંગ અને સમયના બચાવ માટે તમામ ગ્રાન્ટેડ સ્કૂલોમાં ટેબલેટ વિતરણ કરવામાં આવ્યાં છે. આ ટેબલેટ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોને વહિવટી અને શૈક્ષણિક હેતુ માટે શાળા કક્ષાએ જ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત AMCની જિલ્લા કક્ષાએથી આપવામાં આવેલી ગ્રાન્ટેડ સ્કૂલો હવે હાલમાં કે ભવિષ્યમાં અન્ય સ્કૂલોમાં મર્જ થાય અથવા કોઈ સ્કૂલ બંધ થાય તો જે તે સ્કૂલનું ટેબલેટ CRC મારફતે વિભાગમાં જમા કરાવવાનું રહેશે. ટેબલેટ મળ્યાં બાદ આચાર્યએ ડિલિવરી મળ્યા બાદ ટેબલેટના સિરિયલ નંબર અને EMEI નંબર ફરજિયાત નોંધી રાખવાના રહેશે. ટેબલેટની સ્કૂલના ડેડ સ્ટોક રજિસ્ટરમાં પણ એન્ટ્રી કરવાની રહેશે. ટેબલેટમાં કોઈ એક સર્વિસ પ્રોવાઈડરનું સીમકાર્ડ નાંખી મોબાઈલ ડેટા પ્લાન ચાલુ કરવાનો રહેશે.