પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવાર તા.૩૦ ઓકટોબરથી ગુજરાતના દ્વિદિવસીય પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન આગામી તા.૩૧ ઓકટોબરે લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪પમી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર સાહેબની વિશ્વની વિરાટત્તમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટિને ભાવાંજલિ અર્પણ કરવાના છે. પ્રધાનમંત્રીના નિર્ધારીત પ્રવાસ કાર્યક્રમ અનુસાર તેઓ શુક્રવાર તા.૩૦ ઓકટોબરે બપોર બાદ કેવડીયા પહોચશે અને વિકાસ કામોના વિવિધ ૧૭ જેટલા પ્રોજેકટસના લોકાર્પણ તેમજ નવા ૪ પ્રોજેકટસના શિલાન્યાસ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પ્રધાનમંત્રી સાથે જોડાવાના છે.
વડાપ્રધાનના દીર્ધદ્રષ્ટિ ભર્યા માર્ગદર્શન તથા પ્રેરણા અન્વયે વર્ષ ર૦૧૯ દરમિયાન વિક્રમજનક સમયમાં આ પ્રોજેકટસ ઝડપભેર પૂર્ણ કરવામાં આવ્યા છે. બે વર્ષ અગાઉ તા.૩૧ ઓક્ટોબર, ર૦૧૮ના રોજ સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને અર્પણ કર્યા બાદ વડાપ્રધાનએ કેવડિયાના સંકલિત વિકાસ માટે જુદાજુદા થીમ આધારિત પ્રોજેકટ હાથ ધરવા પ્રેરણા આપી હતી.આ પ્રોજેકટ વિક્રમજનક સમયમાં પૂર્ણ થતા કેવડિયા એક વિશ્વ સ્તરના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે જયાં કુટુંબના દરેક વયજૂથના સભ્યો માટે રસપ્રદ આકર્ષણો ઉપલબ્ધ છે.
વડાપ્રધાન કેવડિયા ખાતે તા. ૩૦મીએ આગમન બાદ સૌથી ઝડપભેર પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી, હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ, વિવિધતામાં એકતાના પ્રતિક સમુ એકતા મોલ, સમગ્ર વિશ્વનો સૌથી પ્રથમ ટેકનોલોજી આધારિત ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, દેશનો સૌ પ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન તથા કેકટ્સ ગાર્ડનની મુલાકાત લઈ તેનું લોકાર્પણ કરશે.
એટલું જ નહીં, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બાંધવામાં આવેલ જેટ્ટી પરથી શ્રેષ્ઠ ભારત ભવન પાસેની જેટ્ટી સુધીની ૪૦ મિનીટની રાઈડમાં બેસતા પહેલાં વડાપ્રધાન અન્ય ૯ પ્રોજેકટના લોકાર્પણની તકતીનું અનાવરણ કરશે કે જેમાં જેટ્ટી અને બોટીંગ (એકતા ક્રૂઝ), નેવીગેશન ચેનલ, નવો ગોરા બ્રીજ, ગરૂડેશ્વર વિયર, એકતા નર્સરી, ખલવાણી ઈકો ટુરિઝમ, સરકારી વસાહતો, બસ બે ટર્મિનસ તથા હોમ સ્ટે જેવા પ્રોજેકટનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી ૪ નવા પ્રોજેકટ એટલે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના વહીવટી ભવન, સરકારી વસાહતો, SRP ક્વાટર્સ તથા કેવડિયાની આજુબાજુ પાંચ ગામોના અસરગ્રસ્તોને વસાવવા માટે તમામ પાયાની સુવિધાઓ સાથેની ૪૦૦ મકાનની આદર્શ ગામ વસાહતનો શિલાયન્સ પણ કરશે.
કેવડિયા હવે એક અબજ લાઈટોથી ઝળહળી રહ્યું છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના લગભગ રપ ચો.કિ.મી. વિસ્તારમાં કાયમી ધોરણે સજાવવામાં આવેલ ડેકોરેટિવ લાઈટીંગ તથા સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટીંગનું પણ વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે.
તારીખ ૩૧ ઓક્ટોબર, ર૦ર૦ના રોજ સવારે રાષ્ટ્રીય એક્તા પરેડમાં ઉપસ્થિત થતા અગાઉ વડાપ્રધાન આરોગ્ય વનની મુલાકાત લેશે. આરોગ્ય વન એ વિશિષ્ટ પ્રકારનું ગાર્ડન છે. જેમાં માનવ શરીર અને ચેતનાનું સાતત્ય જળવાઈ રહે તે પ્રકારની ખાસ ડિઝાઈન કરવામાં આવેલી છે. વડાપ્રધાન દેશમાં સૌ પ્રથમ એવા સી-પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદ પ્રસ્થાન કરવા માટેના તળાવ નં.૩ના વોટર ડ્રોમનું ઉદ્ઘાટન સરદાર પટેલ જન્મજ્યંતિએ કરશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પ્રવાસીઓ માટે આકર્ષણ સમાન પ્રોજેકટને ખાસ મિશન મોડથી રેકર્ડ સમયમાં દિવસ-રાત કામ કરી પૂર્ણ કરવામાં આવેલું છે અને સ્થાનિક વિસ્તારના યુવાનો અને મહિલાઓ સહિત ૩૦૦૦ કુટુંબને રોજગારીની તકો ઉભી થઇ છે. કેવડિયા સંકલિત વિકાસ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ ૧૦૦ કિ.મી.ની ત્રિજયામાં ખાસ કરીને આદિવાસી વિસ્તારને પરોક્ષ રીતે સને ર૦ર૦-રર દરમિયાન અંદાજી રૂા.૯૦૦૦/- કરોડનો લાભ થશે.
વડાપ્રધાનના વરદ હસ્તે ઉદ્ઘાટન થનાર પ્રોજેકટ્સ તથા ખાતમુહૂર્ત થનાર પ્રોજેકટ્સની મુખ્ય વિશેષતાઓ અને વિગતો જોઇએ તો,
જંગલ સફારી (સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક) :- વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી ૩૭પ એકરમાં અને ૭ જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલું સ્ટેટ ઓફ આર્ટ ઝુઓલોજીકલ પાર્ક છે. જંગલ સફારીમાં પ્રવાસીઓ દેશના અને વિદેશના કુલ-૧૧૦૦ પક્ષીઓ અને ૧૦૦ પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકશે. આ પ્રોજેકટમાં જુદા જુદા ર૯ પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે જીઓડેસીક ડોમ એવીયરીઝનો સમાવેશ છે. જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતાં પક્ષીઓ જોવાનો રોમાંચ માણી શકે.
જંગલ સફારી પ્રોજેકટમાં પ્રવાસીઓ ખાસ કરીને બાળકો પણ પક્ષીઓ અને નાના પ્રાણીઓને અડી અને રોમાંચ અનુભવી શકે તેવો પેટીંગ ઝોન નો સમાવેશ છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરીશયન બિલાડી, સસલાઓ, ગુનીયા પીગ, નાનો અશ્વ, નાના ઘેંટા અને બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ છે.
એક્તા મોલ :- દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને ૩પ,૦૦૦ ચો.ફુટમાં પથરાયેલ વિશાળ એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના જુદાજુદા રાજયોમાંથી ર૦ જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે. એકતા મોલમાં દેશના જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલું છે.
ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક :- અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક ૩પ૦૦૦ ચો.મી. વિસ્તારમાં પથરાયેલો છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલો છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા ૬૦૦ મીટર પ્રવાસ કરે છે.
પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી ૪૭ જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને સહિ પોષણ-દેશ રોશન ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવ્યો છે. વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર,ભૂલ-ભુલૈયાં પણ છે.
યુનિટી ગ્લો ગાર્ડન :- પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજના અને આનંદ થાય તેવો ખાસ થીમ સાથેનો યુનિટી ગ્લો ગાર્ડન અહિં આકર્ષણનું કેન્દ્ર બને તેવો છે. આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે. ૩.૬૧ એકરમાં પથરાયેલા આ વિશાળ ગાર્ડનમાં LED લાઈટથી ઝગમગતાં પ્રાણીઓની પ્રતિકૃતિ, વૃક્ષો અને ફુવારાઓ પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરી દે છે. કેવડિયા ખાતે મુલાકાત કરનાર પ્રવાસીઓને રાત્રે આ વિશિષ્ટ પ્રકારના ગાર્ડન જેમાં ઝળહળતી રોશનીની હારમાળાઓ અવિસ્મરણીય અનુભવ કરાવશે.
કેકટ્સ ગાર્ડન :- સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે રપ એકરમાં અા ગાર્ડન પથરાયેલો છે. જેમાં ૪પ૦ પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા જુદા ૧૭ દેશોના કુલ ૬ લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ આવેલા છે. કેકટ્સ ગાર્ડનમાં ૮૩૮ ચો.મી.નો અધ્વિતીય અષ્ટકોણીય ડોમ આવેલું છે જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. અહિ પ્રવાસીઓને જુદી જુદી પ્રજાતિના કેકટ્સ અંગે જાણકારી મળે છે. કેકટ્સ ગાર્ડનમાં કેકટ્સમાંથી બનતી દવાઓ અને હર્બલ પ્રોડક્ટની ખાસ દુકાન છે અને પ્રવાસીઓ તેમાંથી કેકટ્સના છોડવાઓ તથા દવાઓ ખરીદી શકે છે.
એક્તા નર્સરી :- જુદા જુદા રોપાઓના પ્રદર્શન-વેચાણ થકી એકતાના વિચારના થીમ ઉપર ૧૦ એકરમાં પથરાયેલું આ એકતા નર્સરી પ્રવાસીઓને અધ્વિતીય અનુભવ કરાવે છે. ઉચ્ચ કક્ષાની ટેકનોલોજીથી સજ્જ આ નર્સરીની ૧૦ લાખ રોપાઓ પ્રતિ વર્ષ ઉછેરવાની ક્ષમતા છે. એકતા નર્સરી એકતા હેન્ડીકાફ્રટ પ્રવાસીઓનું આકર્ષણ સ્થળ છે જેમાં બામ્બુ કાફ્રટ્સ, સોપારીના પાંદડાઓમાંથી બનતી વસ્તુઓ અને ઓર્ગેનિક પોટ્સનું પ્રદર્શન-વેચાણ છે.
આ જગ્યાએ પ્રવાસીઓ વસ્તુઓ જાતે બનાવવાનો અનુભવ અને આનંદ મેળવે છે. કાફેટેરીયામાં આદિવાસી મહિલાઓ દ્વારા સ્થાનિક સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ ઉપલબ્ધ છે. સોવીનીયર શોપમાં પ્રવાસીઓને સાબુ, મધ, રોપાઓ વગેરેની ખરીદી પણ કરી શકે છે. આ જુદી જુદી પ્રવૃત્તિઓ થકી મહિલાઓના સેલ્ફ-હેલ્પ ગૃપ થકી ૩૧૧ કુટુંબોને આર્થિક લાભ મળે છે.
ખલવાણી ઈકો-ટુરિઝમ :- પ્રવાસીઓને કુદરતના સાનિધ્યમાં રહેવા અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનું આ એક ઉત્તમ સ્થળ છે. ખલવાણી ઈકો-ટુરિઝમ સ્થળ ૧૦૦ એકર વિસ્તારમાં પથરાયેલ છે જેમાં ૮ર એકર વિસ્તારમાં ૧.૩ લાખ વૃક્ષોની હરિયાળી છે. આ સ્થળે ૧૦૦ જેટલા પ્રવાસીઓને રહેવા માટેની ઉત્તમ સગવડતા છે. જેમાં ટ્રી હાઉસ, ટેન્ટ વગેરેનો સમાવેશ છે. અહીં કાફેટેરીયામાં સેલ્ફ-હેલ્પ ગૃપ દ્વારા મહિલાઓને રોજગારી મળે છે અને આદિવાસી સ્થાનિક વિસ્તારના વ્યંજનનો સ્વાદ મળે છે. એડવેન્ચર ટુરિઝમ માટે આદર્શ સ્થળ છે જેમાં ગુજરાતનું એકમાત્ર રીવર રાફટીંગ ઉપલબ્ધ છે. ૪.પ કિ.મી. લંબાઈ અને ૯ રેપીડ ધરાવતું આ રીવર રાફટીંગ યુવાનો માટે રોમાંચક અનુભવ છે.
આરોગ્ય વન :- માનવ સમુદાયના સ્વાસ્થ્ય અને સુખાકારીના વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન ૧૭ એકરમાં પથરાયેલું છે. આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ૩૮૦ પ્રજાતિના જુદા જુદા પ લાખ વૃક્ષો વાવવામાં આવેલા છે. આ વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન - સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે. અહિના આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે. આરોગ્ય વનમાં પ્રવાસીઓ શારિરીક સુખાકારી સાથે કુદરત સાથે તાદમ્ય પણ અનુભવે છે.
જેટ્ટીસ અને એકતા ક્રૂઝ :- પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાંચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ - એકતા ક્રૂઝ પ્રોજેકટ કરવામાં આવ્યો છે. એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ ૬ કિ.મી. સુધી અને ૪૦ મિનીટ બોટીંગનો આહલાદક આનંદ મેળવી શકે છે. એકતા ક્રૂઝની લંબાઈ ર૬ મીટર અને પહોળાઈ ૯ મીટર છે અને ર૦૦ પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે. આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવી છે.
ગરૂડેશ્વર વિયર :- સરદાર સરોવર ડેમમાં જળ વિદ્યુત મથકના રીવર્સેબલ ટર્બાઈનના સંચાલન માટે નીચે વાસમાં તળાવનું નિર્માણ કરવા માટે ગરૂડેશ્વર વિયર બનાવવામાં આવ્યું છે. ગરૂડેશ્વર વિયર નર્મદા ડેમથી ૧ર.૧૦ કિ.મી. નીચે વાસમાં આવે છે. ગરૂડેશ્વર વિયરની લંબાઈ ૬૦૯ મીટરનાં સ્પીલવે સાથે કુલ- ૧ર૧૮ મીટર છે. વિયરની સંગ્રહ શક્તિ ૮૭.ર૦ મીલીયન કયુબીક મીટર છે. ગરૂડેશ્વર વિયરમાં ૯ મે.વો. જળવિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.
નવો ગોરા બ્રીજ :- ગોરા ગામ નજીક નર્મદા નદી પર લો લેવલનો કોઝવે ગરૂડેશ્વર વીયરના કારણે ડુબમાં આવતો હોવાથી નવો ગોરા બ્રીજ બનાવવામાં આવ્યો છે. જેમાં મુખ્ય ભાગની લંબાઈ ૯ર૦ મીટર છે અને એપ્રોચીઝની લંબાઈ ૧.૬ કિ.મી. છે. આ બ્રીજમાં વાહનોની સરળતાથી અવરજવર માટે ચાર લેન કરવામાં આવ્યા છે. ગોરા બ્રીજ સરદાર સરોવર ડેમથી ૬.૩૦ કિ.મી. નીચે વાસમાં છે. આ બ્રીજ કેવડિયાથી રાજપીપળા રસ્તાને જોડે છે.
સરકારી વસાહતો :- સરદાર સરોવર નર્મદા નિગમના કર્મચારી-ઈજનેરોને વસવાટ માટે કુલ-૧૧ર ફલેટ બનાવવામાં આવ્યા છે. જેમાં જુદી જુદી કેટેગરીનો સમાવેશ છે. આ વસાહત બનતા કર્મચારી/અધિકારીઓને કેવડિયા ખાતે રહેવા માટે સગવડતા ઉપલબ્ધ થશે.
બસ બે ટર્મિનસ :- પ્રવાસીઓને વિવિધ સ્થળોએથી લેવા અને મુકવા માટે ૧૦ સબ-બસ સ્ટેન્ડ ધરાવતું વિશાળ ટર્મિનસ બનાવવામાં આવ્યું છે. પ્રત્યેક બસ સ્ટેન્ડની સાઈઝ ર૦ મીટર X ૮ મીટર છે. બસ બે સ્ટેન્ડની ક્ષમતા એક જ સમયે ૧પ૦૦ પ્રવાસીઓ માટેની છે, જે માટે ૧ર૦૦ મીટર લંબાઈની સ્ટેનલેસ સ્ટીલ રેલીંગ નાખવામાં આવી છે. અહીં પ્રવાસીઓ માટે ૬૦૦ જેટલા લોકર પણ ઉપલબ્ધ છે.
હોમ સ્ટે પ્રોજેકટ :- હોમ સ્ટે એટલે કે કોઇકના ઘરમાં ટુંક સમય માટે ભાડેથી રોકાણ કરવું. શહેરની ભીડ-ભાડ અને વૈભવી વિસ્તારોથી વિપરીત ગામડાના શાંત અને કુદરતી વાતાવરણમાં આવેલ આ હોમ સ્ટેના મકાનો પ્રવાસીઓના રોકાણ માટે આર્કષણનું કેન્દ્ર બની રહેશે. આ મકાનોમાં સુંદર અને સ્વચ્છ વાતાવરણ તેમજ નજીવી કિંમતે જમવાનું પણ પ્રવાસીઓને મળી રહેશે. હોમ સ્ટેમાં રોકાનાર પ્રવાસીઓ આદિવાસી સમાજના લોકોના પરિચયમાં આવશે તથા તેમને આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિ વિશે જાણવા મળશે.
બીજી તરફ જે મકાનોમાં પ્રવાસીઓ રોકાશે તે કુટંબોને આજીવિકા મળી રહેશે. આ પ્રોજેકટથી શહેરમાં રહેતા લોકોને ગામડાનું જીવન માણવાની તક મળશે. આવા સુંદર વિચાર સાથે “ટ્રાયબલ હોમ સ્ટે પ્રોજેકટ” ગરૂડેશ્વર તાલુકામાં આવેલ “સ્ટેચ્યુ ઓફ યુનિટિ” ની આસપાસના વિસ્તારમાં રહેતા ગરીબ આદિવાસી કુંટંબોના સામાજીક અને આર્થિક વિકાસ માટે શરૂ કરવામાં આવ્યો છે.
આદર્શ ગામ :- ૬ ગામોનાં અસરગ્રસ્ત કુટુંબોને જરૂરી તમામ સવલતો સાથે વસવાટ કરવાની “આદર્શ ગામ” યોજના અંતર્ગત ગોરા ગામ પાસે ૪૦૦ કુટુંબોને પાકા મકાનો સાથે પ્રાથમિક નિશાળ, આંગણવાડી,દવાખાનું,પશુઓ માટે અવેડો,કોમ્યુનિટી હોલ, બાળકોને રમવા માટે ખાસ જગ્યાઓ વિગેરે સવલતો ઉપલબ્ધ થશે.
વડાપ્રધાન આ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમૂર્હત સાથોસાથ તા.૩૧ ઓકટોબરે સરદાર પટેલ જન્મજ્યંતિએ કેવડીયામાં યોજાનાર રાષ્ટ્રીય એકતા પરેડ નિરીક્ષણ, સંબોધન અને પ્રોબેશનર આઇ.એ.એસ ઓફિસર્સ સાથે વર્ચ્યુઅલ વાર્તાલાપ કરવાના છે. તેઓ તા. ૩૧ ઓકટોબરે જ કેવડીયાથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ સુધીની સીપ્લેન સેવાઓનો શુભારંભ કરાવીને સીપ્લેન મારફતે અમદાવાદ આવી બપોરે નવી દિલ્હી જવા રવાના થશે.