શહેરમાં રિંગ રોડ નજીક મોહમ્મદપુરા રોડ પર આવેલા બિગ ડેડી કાફેમાં હુક્કાબાર ચાલતો હતો. કાફેની અંદર કેટલાક દિવસથી આખી રાત યુવક યુવતીઓ આવીને હુક્કા પિતા હોવાની બાતમી પીસીબી બ્રાન્ચને મળી હતી. જેના આધારે પીસીબીની ટીમે ગઈકાલે વહેલી સવારે 3 વાગ્યે રેડ કરીને પાંચ લોકોને હુક્કા પિતા ઝડપી લીધા હતા. આ હુક્કાબારમાંથી કુલ 40 હુક્કા અલગ અલગ ફ્લેવર ટોબેકો અને અન્ય વસ્તુઓ મળી આવતા સમગ્ર મામલે પીસીબીએ જાણવા જોગ નોંધીને સેમ્પલને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે.રિપોર્ટ આવ્યા બાદ આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ટેબલ પર ચાર-પાંચ લોકો ભેગા મળીને હુક્કા પી રહ્યા હતા
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોહમ્મદપુરા રોડથી રિંગ રોડ તરફ જવાના રસ્તા પર બિગ ડેડી કાફે આવેલું છે. આ કાફેની અંદર કોફી અને નાસ્તાની આડમાં લોકોને હુક્કા પીરસવામાં આવતા હતા. યુવાન યુવક-યુવતીઓ રોજ પોતાના ગ્રુપમાં અહીંયા આવીને હુક્કાની મહેફિલ માણતા હતા. આ હુક્કામાં તમાકુની ફ્લેવર પણ એડ કરવામાં આવતી હતી. જે ગેરકાયદેસર હોવાથી પોલીસને આ જગ્યાએ રેડ કરવાની બાતમી મળી હતી. પીસીબી પીઆઇ એમ.સી. ચૌધરી અને તેમની ટીમ બાતમીના આધારે બિગ ડેડી કાફે ઉપર પહોંચી ગયા હતા. જ્યાં અંદર એક ટેબલ પર ચાર-પાંચ લોકો ભેગા મળીને હુક્કા પી રહ્યા હતા.
સીસીટીવી પણ પીસીબી દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે
પીસીબીના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અહીંયા રોજ અનેક યુવક-યુવતી હુક્કાનું વ્યસન કરવા માટે આવતા હતા અને તેમને ફ્લેવર હુક્કાના નામે તમાકુ મિશ્રિત હુક્કા આપવામાં આવતા હતા. આ જગ્યાના સીસીટીવી પણ પીસીબી દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે. જ્યારે શનિ અને રવિવારના દિવસે અહીંયા ખચોખચ લોકો આવે છે અને હુક્કાની મહેફિલ માણે છે.આ અંગે એમ.સી. ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મોડી રાત્રે થયેલી રેડમાં અમને 40 હુક્કા ફ્લેવર ટોબેકો મળી આવ્યા છે. જેને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. હવે રિપોર્ટ આવ્યા બાદ આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.