ગુજરાત સહિત દેશભરમાં ડુંગળીના ભાવ આસમાને આંબી ગયા હતા અને લોકો માટે ગરીબીની કસ્તુરી ગણાતી આ વેજીટેબલ ખાવાનું લગભગ અશકય બની ગયુ હતું. તે સમયે કેન્દ્ર સરકારે આયાત કરેલી લાખો ટન ડુંગળીઓ ગોડાઉનમાં સળી ગઈ છે અને ગુજરાતે પણ આ આયાતી ડુંગળી કેન્દ્ર પાસેથી ખરીદવા ઈન્કાર કર્યો છે. રાજય સરકારે આ અંગે એવુ કેન્દ્રને જણાવ્યું છે કે, આયાતી ડુંગળીથી સ્થાનિક ડુંગળી ઉગાડતા ખેડુતોને મોટુ નુકશાન થશે. ઉપરાંત આયાતી ડુંગળી અને સ્થાનિક ડુંગળીનો સ્વાદ પણ અલગ છે. તેનાથી લોકો તે પસંદ કરશે કે કેમ તે પણ પ્રશ્ન છે. રાજયના એક ટોચના અધિકારીએ એવું જણાવ્યું કે, રાજય આયાતી ડુંગળી નહી ખરીદે તે નિર્ણય સંબંધીત પક્ષકારો તથા રાજયના સીનીયર અધિકારીઓ પાસેથી ફીડબેક મેળવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો હતો અને આ અંગે કેન્દ્રને લેખીતમાં જાણ કરી દેવાઈ છે. ગુજરાત ડુંગળી ઉત્પાદક રાજયમાં મોખરે છે અને આયાતી ડુંગળીથી રાજયમાં ડુંગળીના ભાવ નીચા જાય તો ખેડુતોને નુકશાન થઈ શકે છે અને તેના સ્વાદનો પણ પ્રશ્ન છે. ઉપરાંત રાજયમાં ડુંગળીના ભાવ હવે નીચા આવી ગયા હોવાનો દાવો પણ સરકારે કર્યો છે. હાલ રાજયમાં રૂા.60થી70 પ્રતિકિલોના ભાવે ડુંગળી મળે છે.