રાજકોટ જિલ્લામાંથી પકડાયેલા બનાવટી આયુષ્યમાન કાર્ડ કૌભાંડમાં ઉંડી તપાસનો દોર ચાલુ છે ત્યારે રાજયના જુદા-જુદા ભાગોમાંથી પકડાયેલા બોગસ આયુષ્યમાન કાર્ડ રદ કરી નાખવામાં આવ્યા છે.કેન્દ્ર સરકારની સૂચના બાદ રાજયના આરોગ્ય વિભાગે એક સાથે 64000 ભૂતિયા આયુષ્યમાન કાર્ડ રદ કરી નાખ્યા છે તેમાં રાજકોટના 9100 કાર્ડનો પણ સમાવેશ થઈ જાય છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ કહ્યું કે રાજકોટમાંથી 9100 સહિત રાજયના જુદા-જુદા ભાગોમાંથી અંદાજીત 64000 બોગસ આયુષ્યમાન કાર્ડ મળી આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે સાયબર નિષ્ણાંતો સહિતની કમીટીની રચના કરવાની સાથોસાથ કેન્દ્રસરકારને રીપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારે તમામ કાર્ડ રદ કરવાનું સૂચવ્યું હતું. જેને પગલે આરોગ્ય વિભાગની બેઠક યોજીને એક જ ઝાટકે તમામ 64000 આયુષ્યમાન કાર્ડ રદ કરતો નિર્ણય લેવાયો હતો. આજે આ તમામ કાર્ડ રદ કરી નાખવામાં આવ્યા છે. બનાવટી આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ રાજકોટમાં પણ ઉખળ્યુ હતું તેમાં 16 ઓપરેટરોને છુટ્ટા કરી દેવામાં આવ્યા હતા. માત્ર ઓપરેયરો પર જ તવાઈ ઉતારવામાં આવતા થોડોઘણો વિવાદ પણ થયો હતો. સમગ્ર કૌભાંડની તપાસ માટે પાંચ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે.