ઉનાળાની સાથે હવે વેકેશનની મોસમની શરૃઆત થઇ ગઇ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ફરવા માટે આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. 2012-13ના વર્ષમાં 2.54 કરોડ પ્રવાસીઓ ગુજરાતમાં ફરવા માટે આવ્યા હતા, જે 2016-17માં વધીને 4.48 કરોડ થયો છે. ૨૦૧૨-૧૩થી ૨૦૧૬-૧૭ એમ ચાર વર્ષની સરેરાશ જોવામાં આવે તો ગુજરાતમાં ફરવા માટે આવતા પ્રવાસીઓની સંખ્યા ૪.૨૪ કરોડ છે. જોકે, ગુજરાતમાં બિઝનેસના હેતુ માટે આવતા પ્રવાસીઓનું પ્રમાણ ખૂબ જ વધારે છે.
આ પછી ધાર્મિક કારણોસર અને છેલ્લે ફરવા માટે ગુજરાત આવતા પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી જ ગુજરાતમાં ફરતા પ્રવાસીઓનું પ્રમાણ ખૂબ જ વધારે છે. ૨૦૧૨-૧૩માં આ પ્રમાણ ૧.૯૫ કરોડ હતું અને જે ૨૦૧૬-૧૭માં વધીને ૨.૭૩ કરોડ થયું છે. વિદેશથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓનું પ્રમાણ હજુ પણ ખૂબ જ ઓછું છે અને તેમાં વધારો પણ સાધારણ થઇ રહ્યો છે. ૨૦૧૨-૧૩માં ૫.૧૭ લાખ અને ૨૦૧૬-૧૭માં ૯.૨૪ લાખ પ્રવાસીઓ વિદેશથી ગુજરાતમાં આવ્યા હતા. પરંતુ વિદેશથી આવતા પ્રવાસીઓમાં એનઆરઆઇને પણ આવરી લેવામાં આવતા હોય છે. આમ, વિદેશથી ગુજરાતમાં ફક્ત ફરવાના હેતુ માટે ગુજરાત આવ્યા હોય તેવા પ્રવાસીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અમદાવાદને ગત વર્ષે હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવતા વિદેશથી ફરવા માટે આવતા પ્રવાસીઓનું પ્રમાણ વધી શકે છે તેમ પ્રવાસન્ વિભાગનું માનવું છે. જોકે, ૨૦૧૫ના વર્ષના આંકડા પર નજર કરવામાં આવે તો જે રાજ્યની સૌથી વધુ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય તેમાં ગુજરાત ટોપ-૧૦માં પણ નથી.