સિદ્ધપુર અને લણવા ખાતે વિધાનસભાની ચૂંટણી સમયે પાસના કન્વીનર હાર્દિક પટેલે સભાઓ સંબોધી હતી પણ તેમાં તંત્રની મંજૂરીની શરતોનો ભંગ કરવા બદલની ફરિયાદો એક મહિના પછી સિદ્ધપુર અને ચાણસ્મા પોલીસ સ્ટેશને મામલતદાર દ્વારા કરવામાં આવી છે. સિદ્ધપુરના ગાગલાસણ રોડ પર એપલ રેસીડેન્સી ખાતે 10 ડિસેમ્બરે પાટીદાર સમાજની જાહેર સભા કરવા માટે મંજૂરી મેળવવામાં આવી હતી, પણ હાર્દિક પટેલે સાંજે 4થી 6 કલાક સુધી સભા સંબોધીને પરવાનગીની શરતોનો ભંગ કર્યો હતો અને તેમાં કુંવારા ગામના ગૌરવભાઇ રમેશભાઇ પટેલ મદદગારી હોવાની ફરિયાદ મામલતદાર હરીશભાઇ વસંતભાઇ ગોરએ નોંધાવી છે.
જે મામલે પીએસઆઇ વી.એસ.ચૌહાણ કરી રહ્યા છે. આજ રીતે ચાણસ્મા તાલુકાના લણવા ખાતે તેજ દિવસે સાંજે 7 થી11 કલાક સુધી તુલસી હોટલ સામે મેદાનમાં શરતોનો ભંગ કરી રાજ્યમાં કાયદો વ્યવસ્થા કથળે અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું ભાષણ કર્યું હતું. તેમાં તેઓને બિન રાજકીય સભા માટે મંજૂરી આપવામાં આવી હતી તે શરતનો ભંગ કર્યો હતો. તેમાં લણવા ગામના યોગેશભાઇ પ્રહલાદભાઇ પટેલે મદદગારી કરી હતી. જે અંગે ચાણસ્મા મામલતદાર કિશોરભાઇ ગુલાબભાઇ ગઢવીએ ચાણસ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતાં પીઆઇ પ્રિયદર્શી તપાસ કરી રહ્યા છે.