કોંગ્રેસે વિધાનસભા વિપક્ષના નેતાની પસંદગીની કવાયતને વધુ તેજ બનાવી છે. ત્યારે વિપક્ષપદ મેળવવાય લોબિંગ શરૃ થયુ છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોમાં તો ખેંચતાણ જામી છે. દરમિયાન, પ્રદેશ પ્રમુખને હાઇકમાન્ડનું તેડુ આવ્યુ છે. દિલ્હીમાં વિપક્ષપદ માટે ચર્ચા વિચારણનો દોર શરૃ થઇ ચૂક્યો છે. વિધાનસભાની ચૂંટણી પ્રચાર વખતે રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓની ભાજપ સાથેની ગોઠવણો જાણી લીધી છે.
આ જોતાં હવે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના ધુરંધર નેતાઓને કોરાણે મૂકીને યુવા ધારાસભ્યોને આગળ કરવાના મૂડમાં છે. આ ઉપરાંત વિધાનસભામાં ય સેટિંગ કરતાં કોંગ્રેસના નેતાઓને ઠેકાણે પાડી દેવામાં આવનાર છે. કોંગ્રેસ પરેશ ધાનાણીને વિપક્ષી નેતા બનાવવા માંગે છે પણ સૌરાષ્ટ્રમા પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ હવે આ પદ મેળવવા તલપાપડ બન્યા છે કેમ કે, જો પરેશ ધાનાણી વિપક્ષી નેતા બને તો,આ બંન્ને સૌરાષ્ટ્રના કદાવર નેતા કદ પ્રમાણે વેતરાઇ શકે છે. આ જોતાં અત્યારથી પરેશ ધાનાણી વિરૃધ્ધ લોબિંગ શરૃ કરાયુ છે. આ તરફ,આદિવાસી ધારાસભ્ય અશ્વિન કોટવાલે પણ દિલ્હીમાં ડેરાતંબુ તાણીને રાહુલ ગાંધીને મળ્યાં છે. દલિત ધારાસભ્ય શૈલેષ પરમાર પર આ પદ મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ખુદ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી આદિવાસી ધારાસભ્યને વિપક્ષી પદ મળે તેવો મત હાઇકમાન્ડ સમક્ષ મૂકી રહ્યા છે જયારે પરેશ ધાનાણી અહેમદ પટેલની પહેલી પસંદ છે. સુત્રો કહે છેકે, ગુજરાતમાં સરકાર બનાવવાની વાત કરનારાં કોંગ્રેસી નેતાઓએ જ કેટલીક ભૂલો કરી છે જેના કારણે થોડોક પનો ટૂંકો પડયો છે. કોંગ્રેસના એક નેતાએ ઉમેદવારોને પક્ષ દ્વારા અપાતુ ચૂંટણી ફંડ જ મોડુ મોકલ્યુ હતું. કોંગ્રેસના નેતાએ ચૂંટણી ફંડમાં કટકી કરવાના ઇરાદે ફંડ મોકલવામાં ય વિલંબ કર્યો હોવાની ફરિયાદો છેક રાહુલ ગાંધી સુધી પહોંચી છે. કોંગ્રેસના નેતાઓની આવી હરકતન હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે. આ નેતાએ ૩૦ લાખના ફંડમાંથી ૫ લાખના કોરા ચેક લઇ લીધાં હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.