નિતિન પટેલને હાર્દિક બાદ કોંગ્રેસની ઓફર, ટેકો આપે તો રાજ્યમાં સરકાર બનાવવા તૈયાર
, શનિવાર, 30 ડિસેમ્બર 2017 (13:30 IST)
ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેનારા નીતિન પટેલે બગાવતની ચિમકી આપી છે, ત્યારે હાર્દિક પટેલ બાદ હવે કોંગ્રેસે પણ નીતિન પટેલને પોતાને ટેકો આપવા ઓફર કરી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે, જો નીતિન પટેલ અને ભાજપના નારાજ ધારાસભ્યો કોંગ્રેસને ટેકો આપતા હોય તો રાજ્યના હિત માટે અમે સરકાર બનાવવા તૈયાર છીએ. બીજી તરફ, નીતિન પટેલે સમર્થકોને પોતાના ઘરે બોલાવવાનું શરુ કરી દીધું છે. તેમના ઘર પાસે મોટી સંખ્યામાં સમર્થકો એકત્ર થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે, જેના માટે તૈયારીઓ પણ શરુ કરી દેવાઈ છે. નીતિન પટેલના ઘર પાસે મોટો મંડપ પણ બાંધી દેવામાં આવ્યો છે. નીતિન પટેલની મુલાકાત કરવા એક પછી એક નેતાઓ પણ પહોંચી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ નેતા કિરીટ પટેલ પણ આજે નીતિન પટેલની શુભેચ્છા મુલાકાત લેવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નીતિન પટેલ જેવા વરિષ્ઠ પાટીદાર નેતાને પક્ષમાં તેમના મોભા પ્રમાણે સ્થાન મળવું જોઈએ. જો ખુદ પીએમ મોદીએ દરમિયાનગીરી ન કરી તો નીતિન પટેલ રાજીનામું આપશે તે નક્કી છે, કારણકે તેઓ ભાજપના બીજા કોઈ નેતાને સાંભળવાના મૂડમાં નથી. ત્યારે કોંગ્રેસે પણ સ્થિતિનો ફાયદો ઉઠાવતા તેમને પોતાની સાથે જોડાવાની ઓફર કરી દીધી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ આજે જણાવ્યું હતું કે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. આનંદીબેન પટેલ પછી હવે નીતિન પટેલ પણ ભાજપની નેતાગીરીના ટાર્ગેટ પર છે. જો ભાજપના ધારાસભ્યો અને નીતિન પટેલ અમને ટેકો આપે તો ગુજરાતના હિતમાં અમે સરકાર બનાવવા તૈયાર છીએ. નીતિન પટેલ 10 ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાવવા તૈયાર હોય તો હું કોંગ્રેસમાં તેમને આવકારવા અને યોગ્ય પદ આપવા માટે વાત કરીશ. ભાજપ માટે જેટલી કપરી સ્થિતિ ચૂંટણી પહેલા નહોતી તેનાથી વધુ કપરી સ્થિતિ ચૂંટણી જીત્યા પછી સર્જાઈ રહી છે. પક્ષની પ્રતિષ્ઠા વધુ ન ખરડાય તે માટે નીતિન પટેલને જાહેરમાં નિવેદન આપવાની કે પછી પોતાના સમર્થકોને એકત્ર ન કરવા માટે કહેવાઈ રહ્યું છે, પરંતુ નીતિન પટેલ કોઈનું સાંભળવા તૈયાર નથી.
આગળનો લેખ