જૂનાગઢની તળેટીમાં સ્થિત પાંચમી ટુંક તથા જૈન દેરાસરોની જગ્યાને લઇ સાધુ-સંતો અને જૈન સમાજ વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. દત્ત શિખર ઉપર જૈન શ્વેતાંબર યાત્રાળુઓને રોકવામાં આવતા હોવાનાં પણ આક્ષેપો થયા છે. વર્ષોથી ચાલતા વિવાદનો ગુરૂવારે સુખદ અંત આવ્યો છે. હિન્દુ સનાતન સમાજ અને જૈન સમાજ વચ્ચે ઐતિહાસિક સમાધાન થયું છે.
ગુરૂવારે ભવનાથમાં રૂદ્રેશ્વર જાગીર આશ્રમમાં હિન્દુ સનાતન સમાજ અને જૈન શ્વેતાંબર સમાજનાં સાધુ, સંતો અને અગ્રણીઓની કલેકટર ડો.રાહુલ ગુપ્તાની હાજરમાં બેઠક મળી હતી. બેઠકમાં ગિરનારને લઇ ચાલતા વિવાદનાં મુદે ચર્ચા અને સમજૂતી કરવામાં આવી હતી. બન્ને પક્ષે સુમેળભર્યા વાતાવરણમાં ગિરનારને લઇ ઐતિહાસિક સમાધાન કર્યુ છે. જેમાં ગિરનારની પાંચમી ટુંક(દત્ત શિખર) ઉપર દર્શન વંદન કરવા આવતા જૈન શ્વેતાંબર યાત્રાળુઓને ત્યાની વ્યવસ્થા સમિતી રોકશે નહી અને સંપૂર્ણ સહકાર અને સમભાવ બતાવશે.આ ઉપરાંત જૈન દેરાસર ખાતે આવેલા સુરજ કુંડ,ભીમ કુંડ અને ડોકટર કુંડ સાર્વજનિક કરવામાં આવ્યા છે. યાત્રાળુઓ તેમાથી પાણી પી શકશે.પરંતુ વેપારીઓ માટે પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત ગિરનારને લઇ કોઇ પણ વિવાદ અંગે કોઇએ પણ કોર્ટ- કાયદાનો આશ્રય લેવાનો નથી. કોઇપણ વિવાદ અંગે બન્ને પક્ષનાં સંતો બેસીને ઉકેલ લાવવાનો રહેશે. તેના માટે એક સમિતીની પણ રચના કરવામાં આવી છે. જોકે પાંચમી ટુંક(દત્ત શિખર)ને લઇ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કોર્ટ મેટર યથાવત રહેશે. પાંચમી ટુંકને લઇ કોઇ સમજૂતી થઇ નથી પરંતુ હવે પછી કોઇ પણ નવો વિવાદ ન કરવા સમજૂતી સંધાઇ છે. નવા વિવાદને પહોંચી વળવા સમિતીની રચના પણ કરવામાં આવી છે.