નર્મદા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન આજે તા. ૨૫ મી જુલાઇ,૨૦૧૯ના રોજ સૌ પ્રથમ તેનું ક્રેસ્ટ લેવલ પાર કરીને ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવી દીધી છે અને આજે સવારના ૮-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૨૧.૯૮ મીટર રહેવા પામી હોવાના અહેવાલ નર્મદા ડેમ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.યુ.દલવાણી તરફથી પ્રાપ્ત થયા છે.
નર્મદા ડેમ સાઇટ ખાતે કેનાલ હેડપાવર હાઉસમાં ૫૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા પાંચ યુનિટ પૈકી આજે ત્રણ જેટલા યુનિટ વીજ ઉત્પાદન માટે કાર્યરત હતાં અને ગત તા. ૨૪મી જુલાઇ,૨૦૧૯ના ૦૦-૦૦ થી ૨૪-૦૦ કલાક દરમિયાન ૨૩૬૭ મેગાવોટ જેટલું વીજ ઉત્પાદન કરાયું હતું.
કેવડીયા કોલોની ખાતેના નર્મદા ડેમ ફલ્ડ કન્ટ્રોલકક્ષ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ ગઇકાલ તા.૨૪મી જુલાઇના સવારના ૮-૦૦ કલાકથી આજે તા.૨૫મી જુલાઇના સવારના ૮-૦૦ કલાક સુધીના સમયગાળા દરમિયાન નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તાર-ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમની જળરાશિમાં ૧૫૩૬૨ કયુસેક પાણીનો વધારો નોંધાયો છે, જયારે મુખ્ય કેનાલમાંથી ૧૩૬૯૦ કયુસેક પાણીની જાવક નોંધાવા પામી હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે.