Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યની મેડિકલ કૉલેજોના થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય

રાજ્યની મેડિકલ કૉલેજોના થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય
, ગુરુવાર, 18 માર્ચ 2021 (23:40 IST)
રાજ્યમાં કોવિડ-19 કોરોનાના કેસોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટિંગની કામગીરી સઘન રીતે હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો અને રાજ્યની વિવિધ મેડિકલ કૉલેજોના ઇન્ટર્ન ડૉક્ટર્સ તેમજ ફાઇનલ યરના સ્ટુડન્ટ્સને આ કામગીરીમાં જોડવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
 
આરોગ્ય વિભાગનાં અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે આ કામગીરી માટે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્યની તમામ યુનિવર્સિટીઓના ફેકલ્ટી ડીન સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો.
 
સમગ્ર રાજ્યની જુદી-જુદી મેડિકલ કૉલેજોમાં થર્ડ યર-ફર્સ્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, જેમની થિયરીની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષા બાકી છે તેઓની પ્રેક્ટિકલ પરીક્ષા હાલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા તમામ વિદ્યાર્થીઓએ કોવિડ ડ્યૂટી માટે ફરજિયાતપણે તાત્કાલિક હાજર થવાનું રહેશે. 
 
જેમની થિયરીની પરીક્ષાઓ હાલમાં ચાલી રહી છે, તે પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. ડૉ. જયંતી રવિએ વધુમાં જણાવ્યું હતું કે, થર્ડ યર-ફાઇનલમાં અભ્યાસ કરતાં અને હાલ જેમની પ્રેક્ટિકલ પરીક્ષા ચાલી રહી છે, તેવા તમામ વિદ્યાર્થીઓએ પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસથી કોવિડ ડ્યૂટીમાં જોડાવાનું રહેશે.
 
શહેરી વિસ્તારની કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાની કૉલેજના પ્રિન્સિપાલના સંકલનમાં રહીને મ્યુનિસિપલ કમિશનરનો તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે અને શહેરી વિસ્તાર સિવાયના જિલ્લાઓમાં ભણતા વિદ્યાર્થીઓએ પોતાની કૉલેજના પ્રિન્સિપાલના સંકલનમાં રહીને તાત્કાલિક જિલ્લા કલેક્ટર સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવ્યા છે.
 
એમબીબીએસ ઉપરાંત નર્સિંગ, ડેન્ટલ, ફિઝિયોથેરપી અને આયુષ સહિતના તમામ થર્ડ યરના સિનિયર સ્ટુડન્ટ્સે આ કામગીરીમાં જોડાવાનું રહેશે. તદુપરાંત, જરૂર પડ્યે જુનિયર સ્ટુડન્ટ્સને પણ આ કામગીરીમાં જોડવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત અને અમદાવાદમાં આવતીકાલ કરર્ફ્યુંનો સમય બદલાયો, શનિ-રવિ મોલ સિનેમા રહેશે બંધ