મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન ટિકટોક વીડિયો બનાવ્યો તો તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, બુધવારે સાંજે મહેસાણા જિલ્લા પોલીસવડાએ અર્પિતાના ગેરશિસ્ત અને નૈતિકતાના મુદ્દે સસ્પેન્ડ કરી દીધી હતી. આ સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી મંજીતા વણઝારાને સોંપવામાં આવી છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે હવે ખુદ તપાસ અધિકારી મંજીતા વણઝારાનો જ ટિકટોક પરનો વીડિયો બહાર આવ્યો છે.
અલબત્ત આ વીડિયો તેમણે ફરજ પર કે વર્દી પહેરીને નથી બનાવ્યો, પરંતુ ટિકટોક વીડિયો જરૂર છે.ડીવાયએસપી મંજીતા વણઝારાએ એક પંજાબી ગીત પર પોતાનો ટિકટોક વીડિયો બનાવ્યો છે. આ ગીતમાં તેઓ ડાન્સ નથી કરી રહ્યા પરંતુ હાથ વડે ડાન્સની છટા દર્શાવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, જેમને અન્ય પોલીસ કર્મી દ્વારા ટિકટોક પર ડાન્સનો વીડિયો મૂકવાના પ્રકરણમાં તપાસ સોંપાઈ છે તે ડીવાયએસપી મંજીતા વણઝારાનો જ હવે ટિકટોક પર વીડિયો ફરતો થયો છે.
ટિકટોક વીડિયો વાયરલ થવાની ઘટનાઓમાં પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થઇ ચૂક્યા છે, ત્યારે વડોદરાના પીએસઆઇ અરૂણ મિશ્રાનો ફિલ્મી ગીત ગાતો વીડિયો વાયરલ થયો છે. અરૂણ મિશ્રા ડીસીબીની ચાંપાનેર દરવાજા ખાતે આવેલી ઓફિસમાં ફરજ બજાવે છે. પીએસઆઇના વાયરલ થયેલો ટિકટોક વીડિયો વડોદરા શહેર પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. ડીસીપી ક્રાઇમ બ્રાંચ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાથે ચર્ચા વિચારણા કર્યાં અરૂણ મિશ્રા વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.