ગુજરાત રાજ્યનાં લોકોને કુદરતી આફત, રાષ્ટ્રીય/રાજ્ય ધોરી માર્ગ અકસ્માત, રેલ દુર્ઘટના, રોગચાળો, તેમજ શારીરિક બિમારી જેવા અસાધારણ સંજોગોમાં સંપૂર્ણ અને સલામત સંકલીત પ્રી-હોસ્પિટલ ઇમરજન્સી મેડીકલ સેવાઓ પૂરી પાડવાના દ્રષ્ટીકોણથી ૨૪x૭ પ્રિ-હોસ્પિટલ સેવાઓ વિના મૂલ્યે પૂરી પાડવા ૧૦૮ સેવાઓ અમલમાં મુકેલી છે. આ યોજના હેઠળ દરરોજ સરેરાશ રાજ્યના ૩૨૦૦ થી ૩૫૦૦ જેટલા દર્દીઓને કટોકટીના સમયે નજીકની હોસ્પિટલ સુધી પંહોચાડવાની નિઃશુલ્ક સેવાઓ પુરી પાડવામાં આવે છે.
વર્ષ ૨૦૨૦ માં COVID-19 રોગચાળો ફાટી નીકળવાના કારણે ગુજરાત અને સમગ્ર વિશ્વના નાગરિકો માટે નિર્ણાયક વર્ષ રહ્યું છે. આ રોગચાળા દરમિયાન ૧૦૮ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસને વધુ સુસજ્જ બનાવવામાં આવી છે અને વધુ સારી સારવાર સાથે COVID-19 ના દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવાની વિવિધ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ મહામારી દરમિયાન ૧૦૮ સેવાના કર્મચારીઓ દ્વારા સમગ્ર ગુજરાતમાં ખુબજ સારી કામગીરી કરવામાં આવેલ છે. ૧૦૮ સેવાં દ્વારા સમયાંતરે COVID-19 સ્થિતિની સમીક્ષા કરી અને તે મુજબ COVID-19 ને લગતા કેસને અત્યંત સલામતી સાથે પ્રતિસાદ આપવા માટે ખાસ એમ્બ્યુલન્સોને તૈનાત કરવામાં આવી છે. માર્ચ-૨૦૨૦ બાદ ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા ૧,૨૮,૧૦૭ જેટલા COVID-19 રોગના શંકાસ્પદ દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
૧૦૮ સેવામાં ૨૪ કલાક ૭ દિવસ પોતાની ફરજ બજાવતા તમામ કોરોના વોરિયર્સને પ્રાઘાન્યતા આપી કોવિડ વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત ૧૦૮ સેવાના તમામ કર્મચારીઓને સાંકળી લેવાનું નિયત થયેલ. જેથી કોરોના રૂપી વૈશ્વિક મહામારી શરૂ થઈ ત્યારથી આજ દિન સુધી દિવસ રાત ગુજરાતનાં નાગરિકોની સેવાં કરતાં ૧૦૮ ઈમરજન્સી સેવાના કુલ ૧૪૯ કર્મચારીઓનું આજ રોજ તા: ૦૨/૦૨/૨૦૨૧ ના રોજ જીવીકે ઈમરજન્સી મેનેજમેંટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ ખાતે વેક્સિનેશન કરવામાં આવેલ.