ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોળી સમાજના નેતાઓ હવે બે હિસ્સામાં વહેંચાયા છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વસતી ધરાવતા કોળી સમાજમાં હમણાં છેલ્લા ધણાં સમયથી જુથવાદ ચરમસીમા પર જોવા મળી રહ્યો છે.પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સામે બાંયો ચડાવી છે અને વિધાનસભાની ચૂંટણી પહેલા કુંવરજી બાવળિયા અને કેબિનેટ મંત્રી મહેન્દ્ર મુંજપરાની ગેરહાજરીમાં એક ભવ્ય સંમેલન બોલાવવાની જાહેરાત કરી છે.આ અગાઉ પણ દેવજી ફતેપરાએ ભાજપમાં સમાજની વસતીના પ્રમાણમાં પ્રતિનિધીત્વ ન મળતું હોવાનું નિવેદન આપ્યું હતું ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા તેઓ સરકાર સામે રણશિંગુ ફુંકવાની તૈયારી કરી રહ્યા છે. દેવજી ફતેપરાએ કહ્યું હતું કે કોળી સમાજ મોટો સમાજ છે.કોળી સમાજનું 54 જેટલી વિધાનસભાની બેઠકમાં પ્રભુત્વ છે અને આ બેઠકો પર નિર્ણાયક ભુમિકા ભજવી શકે છે.કોળી સમાજ ચૂંટણી સમયે 80 ટકા જેટલું મતદાન કરે છે.જો કોળી સમાજને યોગ્ય પ્રતિનિધીત્વ ન મળ્યું તો આગામી દિવસોમાં તેની પરિણામ પર પણ અસર પડી શકે છે તેવો દેવજી ફતેપરાએ દાવો કર્યો હતો.કુંવરજી બાવળિયા સાથેના આંતરિક જુથવાદ અંગે દેવજી ફતેપરાએ કહ્યું હતું કે કુંવરજી બાવળિયા સાથે કોઇ જ પ્રકારનું સમાધાન થયું નથી.આગામી દિવસોમાં રાજકોટમાં કોળી સમાજનું મોટું સંમેલન મળવા જઇ રહ્યું છે અને આ સંમેલનમાં કુંવરજી બાવળિયા અને કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા નહિ હોય તેવો દાવો દેવજી ફતેપરાએ કર્યો હતો.ભાજપ સરકાર સામે વસ્તીના પ્રમાણમાં પ્રભુત્વની માંગ સાથે કુંવરજી બાવળિયા અને દેવજી ફતેપરાએ એક સામાજિક બેઠકનું આયોજન કર્યું હતું જે વાત દેવજી ફતેપરાએ મિડીયા સાથે કરી હતી.આ બેઠક બાદ કોળી સમાજના આગેવાનો કુંવરજી બાવળિયાની આગેવાનીમાં સી આર પાટીલને મળવા માટે પહોંચ્યા હતા જો કે તેમાં દેવજી ફતેપરાને શામિલ નહિ કરવામાં આવતા ફતેપરા રોષે ભરાયા હતા અને તેઓએ બાવળિયાની વિરુધ્ધમાં નિવેદન આપ્યું હતું જે વિવાદ આજે પણ ચાલુ છે.