ગુજરાત પોલીસ યુનિટોને સ્પાની આડમાં ચાલતી ગેરકાયદેસર દેહવ્યાપારની પ્રવૃત્તિ ઉપર અસરકારક કાયદાકીય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. જે આદેશ બાદ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ઝોન વાઈઝ પોલીસ ટીમો, ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી માહિલા સેલ, AHTU, IUCAWની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સુરત શહેરમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી 50 કેસ કરવામાં આવ્યા છે.
રાજકોટમાં પણ 50 સ્પામાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર આવેલી સોસાયટીના ઘરમાં સ્પાના નામે દેહવ્યાપાર થતો હોવાનો પર્દાફાશ થયો હતો. આ રેડમાં ચાર યુવતીને દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી હતી. તેમજ એક શખસની ધરપકડ કરી હતી. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સંચાલક એક ગ્રાહક પાસેથી 4000થી 5000 રૂપિયા પડાવતો હતો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પોલીસે 851 સ્પા સેન્ટર પર દરોડા પાડીને 105 લોકોને ઝડપ્યા છે. તે ઉપરાંત સમગ્ર રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 103 ગુના નોંધાયા છે. અમદાવાદમાં 24 કલાકમાં 350 જેટલા સ્પા સેન્ટરમાં તપાસ કરાઇ છે. આ સાથે જાહેરનામા ભંગની 9 ફરીયાદ નોંધી 8 લોકોની ધરપકડ પણ કરાઈ છે. આ તરફ ફરિયાદને લઈને ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ કરી છે. સુરતમાં 50, રાજકોટમાં 50, વડોદરામાં 20, ભાવનગરમાં 5 સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા.ગુજરાતમાં વિવિધ શહેરોમાં ચાલી રહેલા સ્પા સેન્ટરોમાં પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી માહિલા સેલ, AHTU, IUCAWની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.