Order of replacement of 10 PI and 56 PSI
અમદાવાદમાં ફરીવાર પોલીસની બદલીનો ગંજીફો ચીપાયો છે. અચાનક શહેર પોલીસ કમિશ્નરે 10 PI અને 56 PSIની બદલીનો આદેશ કરતાં પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.પોલીસ કમિશ્નરના હૂકમમાં જણાવ્યું છે કે, વહિવટી કારણોસર કરવામાં આવેલી બદલીઓને ધ્યાને રાખીને જે તે અધિકારીએ તાત્કાલિક પોતાના બદલીના સ્થળે હાજર થઈને રીપોર્ટ કરવાનો રહેશે.
શહેરમાં અચાનક બદલીનો ઓર્ડર થતાં પોલીસ કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. અમદાવાદ શહેરમાં મનપસંદ જિમ ખાનામાં રેડ પછી દરિયાપુરના PIની પણ બદલી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના 3 પીઆઇની પણ બદલી કરવામાં આવી છે. ખોખરા, EOW અને SOGના PIની પણ બદલી કરવામાં આવી છે. દરિયાપુરના મનપસંદ જીમખાનામાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને 27 જુગારીઓને પકડ્યા હતા. મનપસંદ જીમખાનાનની આડમાં જુગાર અડ્ડો ચલાવનારા ગોવિંદ ઉર્ફે ગામના પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
આ પહેલા પણ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરીને 180 જેટલા જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે પકડ્યા હતા. અત્યાર સુધી 10થી વધારે વખત મનપસંદ જીમખાનામાં દરોડા પડી ચુક્યા છે. શહેરમાં પોતાને તીસમાર ખાં સમજતા પીઆઈ અને પીએસઆઈ હવે સાઈડ ટ્રેક થઈ ગયાં છે અને તેમના સ્થાને નવા અધિકારીને મુકવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં જુગાર અને દારૂની રેડ બાદ પોલીસ કમિશ્નર જી એસ મલિકે એક ઝાટકે બદલીનો ઓર્ડર કરતાં અનેક પોલીસ કર્મચારીઓને ઝટકો લાગ્યો છે.