ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં પડકારાઈ છે.બીજી બાજુ રાજ્ય સરકારે સ્માર્ટ મીટરને લઈ ઉભા થયેલા વિવાદનો અંત લાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે સ્માર્ટ વીજ મીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. હવે ખરી ગરમીમાં લોકોના ઘરમાં લાઈટો બંધ થઈ જવાથી રોષ ફેલાયો હતો.વડોદરા શહેરમાં અકોટા MGVCL ઓફિસ ખાતે સ્માર્ટ મીટરોને લઈને ઘરોમાં વીજળી ડૂલ થઈ જતાં સ્થાનિક લોકોએ તોડફોડ કરી હતી તેમજ વીજ વાયરો સળગાવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો.ફતેગંજ વિસ્તારમાં સ્માર્ટ મીટરો હટાવવાની માગ સાથે લોકોએ ધરણાં કરી ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા.
ગરમીમાં હાર્ટ-એટેક આવે અને મરી જઇએ તો જવાબદારી કોની
વડોદરાના ફતેગંજ વિસ્તારના સ્થાનિકોએ કહ્યું હતું કે, સ્માર્ટ મીટર લગાવ્યા પછી માત્ર ચાર જ દિવસમાં પાંચસો રૂપિયા બિલ આવ્યું છે. પહેલા બે મહિનાનું એક હજાર સુધીનું બિલ આવતું હતું. સ્માર્ટ મીટર નહીં હટાવે તો અમારે પહેલાંની જેમ લંગરિયા નાખવાનો વારો આવશે. પહેલાં બે મહિનાનું બિલ 1500 રૂપિયા આવ્યું અને હવે 10 દિવસમાં 1300 રૂપિયા બિલ આપ્યું અને રાત્રે લાઇટો બંધ કરી દે છે તો અમે રાત્રે ક્યાં જઈએ. ગરમીમાં હાર્ટ-એટેક આવે અને મરી જઇએ તો અમારી જવાબદારી કોણ લેશે? એ લોકો અમને જોવા આવશે. વોટ આપ્યા પહેલાં આ કર્યું હોત તો અમે વોટ આપત જ નહીં. આ તો વોટ લીધા પછી ચાલુ કર્યું છે. અમારા સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી જઈશું.
500 રૂપિયાનું રિચાર્જ કરીએ તો 4થી 5 દિવસમાં પતી જાય છે
લોકોએ કહ્યું હતું કે, સ્માર્ટ મીટર મોફૂકનો આદેશ કર્યો છે પરંતુ ફતેગંજ વિસ્તારમાં 1 હજાર મીટર બળજબરીથી લોકોને 10 હજાર દંડ થશે એમ કહીને મીટર લગાવ્યાં છે. 500 રૂપિયાનું રિચાર્જ કરીએ તો 4થી 5 દિવસમાં પતી જાય છે અને પછી રિચાર્જ કરવા માટે ધક્કા ખાવા પડે છે. અમે આજે ફતેગંજ GEB ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છીએ, પણ અહીં અમારું સાંભળવાવાળું કોઈ નથી. અહીં અધિકારીઓ એસી અને પંખામાં બેસે છે, અમારે ગરમીમાં શેકાવું પડે છે. ફતેગંજ સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયર આર.કે. વરિયાએ જણાવ્યું હતું કે બધા લોકો પોતાની રજૂઆતો લઈને આવ્યા છે અને સ્માર્ટ મીટર હટાવવાની માગ કરી રહ્યા છે. હાલ લોકોનું માઇનસ બેલેન્સ જશે તો વીજ કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં નહીં આવે.