અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર મહિલાના દાદાનું અવસાન થતાંલતે તેના પિયરમાં જવા માંગતી હતી. ત્યારે પતિએ મહિલા અને તેના બે બાળકોને છરી બતાવી એક રૂમમાં પુરી દીધાં હતાં. આ રૂમની લાઈટો પણ બંધ કરીને અંધારૂ કરી નાંખ્યું હતું. જેથી મહિલા અને બાળકો ગભરાઈ ગયાં હોવાથી બુમો પાડવા લાગ્યા ત્યારે પતિએ છરી બતાવીને મહિલા અને બાળકોને ધમકી આપી હતી. મહિલાએ 181 પર ફોન કરી મદદ માંગી હતી. અભયમની ટીમે સ્થાનિક પોલીસની મદદથી મહિલા અને તેના બાળકોને બચાવી લીધા હતાં. બાદમાં મહિલાનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય માહિતી આપી હતી. મહિલાને તેના પતિના વિરૂદ્ધમાં ફરિયાદ કરવી હોવાથી તેને સ્થાન પોલીસ સ્ટેશન મોકલવામાં આવી હતી.શહેરના પૂર્વ વિસ્તારમાંથી એક મહિલાએ 181 પર ફોન કરીને જણાવ્યું હતું કે, તેના પતિએ તેને અને બાળકોને એક રૂમમાં પુરી રાખ્યાં છે. એટલું જ નહીં તે પોતે પણ એક અલગ રૂમમાં પુરાઈ ગયો છે. જેથી મદદ માટે આવો. કોલ મળતાંની સાથે જ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી. પરંતુ ઘર અંદરથી બંધ હોવાથી ટીમ ઘરમાં જઈ શકે તેમ ન હતી. આ દરમિયાન મહિલા ઘરની બાલ્કનીમાં આવીને અભયમની ટીમને જણાવ્યું હતું કે, તેણે પ્રેમ લગ્ન કર્યાં હતાં અને સંતાનમાં બે બાળકો છે. અચાનક મહિલાના દાદાનું અવસાન થયા હોવાના સમાચાર મળતાં મહિલા તેના દાદાની મરણ વિધિમાં જવા માંગતી હતી. પરંતુ પતિએ જવા દીધી ન હતી. જેથી બંને વચ્ચે ઝગડો થયો હતો.પતિએ મહિલા અને તેના બે બાળકોને રૂમમાં પુરી દીધા હતાં અને લાઈટો પણ બંધ કરીને અંધારૂ કરી દીધું હતું. પતિ પણ મહિલાની સાથે રૂમમાં બંધ હોવાથી મહિલાએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પતિએ છરી બતાવીને જો કંઈ બોલીશ તો મારી નાંખીશ એવી ધમકી આપી હતી. આ સાંભળીને અભયમની ટીમે પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ કર્મીઓએ દરવાજો ખોલાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પતિ દરવાજો ખોલવા તૈયાર ન હતો. જેથી પોલીસકર્મીએ એક મકાનની બાલ્કનીમાંથી કોલ કરનાર મહિલાના ઘરની બાલ્કનીમાં પ્રવેશ કર્યો હતો.ઘરનાં રૂમમાં જઈને જોયું તો અંધારૂ હતું. પતિ તેની પાસે છરી રાખીને બેઠો હતો. મહિલા અને તેના બાળકો ગભરાઈ ગયાં હતાં. પોલીસકર્મીએ પતિને સમજાવી છરી મેળવી લીધી હતી અને બાદમાં દરવાજો ખોલ્યો હતો. જેથી અભયમની ટીમ પણ ઘરમાં આવી ગઈ હતી. અભયમની ટીમે મહિલાને સાંત્વના આપીને કાયદાકીય માહિતી આપી હતી. મહિલા તેના પતિના વિરૂદ્ધમાં ફરિયાદ કરવા માંગતી હોવાથી તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. બીજી બાજુ પતિને પણ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી.