ભાજપ શાસિત મધ્યપ્રદેશે પાણીના અભાવે તરસ્યા ગુજરાતને વધારાનું પાણી આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ગુજરાતની ભાજપ સરકારે મધ્યપ્રદેશ પાસે નર્મદાને બચાવવા માટે પોતાના ભાગનું વધારાનું પાણી છોડવા માટે આગ્રહ કર્યો હતો. આ વર્ષે જ મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે, જે રાજ્યની ભાજપ સરકાર માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. ગુજરાત સરકાર દ્વારા સુકાઈ રહેલી નર્મદા નદી અને તેના આધારીત આસાપાસના પર્યાવરણ બચાવ માટે આ સાથે જ દહેજ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીની જરુરિયાત માટે તથા નર્મદાના કાંઠે વસતા અને નદી પર નભતા લાખો લોકોના જીવનનિર્વાહ માટે કેન્દ્ર સરકાર સમક્ષ માગણી મુકવામાં આવી હતી કે, નર્મદાના ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે,
જેથી હાલ 600 ક્યુસેક પાણી ધરાવતા સરદાર સરોવર ડેમની સપાટીને 1500 ક્યુસેક સુધી લઈ જઈ શકાય. પાછલા બે વર્ષથી ઉનાળામાં ડેમમાંથી ખૂબ જ થોડી માત્રામાં પાણી છોડવામાં આવતું હોવાથી ભરુચ ખાતે નર્મદા નદી સાવ મૃતપાય સ્થિતિમાં પહોંચે છે. ગત જાન્યુઆરીમાં રાજ્યના નર્મદા વિભાગના એડિ. ચીફ સેક્રેટરી એમ.એસ. ડાગુરે જ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને પત્ર લખીને નદીમાં વધુ પ્રમાણમાં પાણી છોડવામાં આવે તેવી અરજી કરી હતી. ત્યાર બાદ ગત મહિનામાં પણ બીજીવાર કેન્દ્ર સરકારને આ અંગે અરજી કરી હતી. જોકે હજુ સુધી આ મામલે કોઈ જ જવાબ આવ્યો નથી. જાન્યુઆરી 2006માં નર્મદા કંટ્રોલ ઓથોરિટી(NCA)ના એન્વાયોરમેન્ટ સબ ગ્રુપે નક્કી કર્યું હતું કે ઓછામાં ઓછું 600 ક્યુસેક પાણી નર્મદાના નીચાણવાળા 157 કિમી લાંબા ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવશે જેથી નદી તેની કુદરતી જીવંતતા જાળવી શકે. જોકે ગુજરાત સરકારનું કહેવું છે કે નદીને જીવંત રાખવી હોય તો 600 ક્યુસેક પાણી પૂરતું નથી.ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગુજરાતના ખેડૂતો, ઉદ્યોગો અને ગ્રામજનો માટેના નર્મદાના પાણીનો દૂરઉપયોગ થયો હતો. જેને કારણે ગુજરાતમાં નર્મદાના પાણીનો કાપ આવ્યો હતો. નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી સમાન હોવાથી ગુજરાતની મોટા ભાગની પ્રજાની પાણીની મુશ્કેલી દૂર કરવા નર્મદા જ એક માત્ર ઉકેલ છે,ત્યારે નર્મદાનું પાણી ખૂટી પડતા ગુજરાતમાં પાણીની ગંભીર કટોકટી ઉભી થઈ છે. આ કટોકટી નિવારવા માટે રાજ્ય સરકારે કેન્દ્રની સાથે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી પાસે મદદ માગી હતી. જેમાં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ ડેડવોટરમાંથી પાણી આપવા માટેની ખાતરી આપી હતી.