કસ્ટોડીયલ ડેથમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીના મોત થયા છે. 2019-20ની તુલનાએ વર્ષ 2021-22માં 24 મોત સાથે કસ્ટોડીયલ ડેથમાં બમણો વધારો થયો છે. આ સ્ફોટક ખુલાસો ગુજરાત લો-કમિશનના અહેવાલમાં થયો છે.
આ અંગે કોંગ્રેસે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે પોલીસ તંત્રની કામગીરી પર વારંવાર પ્રશ્નાર્થ ઉભો થાય છે. કારણ કે પોલીસ કર્મચારીઓ બેફામ રીતે સત્તાનો દુરુપયોગ કરી રહ્યાં છે અને રક્ષકને બદલે ભક્ષકની કામગીરી કરી રહ્યા છે.વધુમાં કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગાંધી-સરદારના ગુજરાતમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. સભ્ય સમાજ કાયદાના શાસનથી ચાલે છે. ન્યાયતંત્રમાં વિશ્વાસ ટકી રહે તે માટે તટસ્થ અને પારદર્શક તપાસ થવી જોઈએ.
માનવ અધિકારનું સન્માન અને માનવ અધિકારના ઉલ્લંઘનને રોકવા માટે માનવ અધિકાર કાયદાનો કડક અમલ થવો જરૂરી છે. માનવ અધિકારનું સન્માન એ સુશાસનના કેન્દ્ર સ્થાને હોવું જોઈએ. માનવ અધિકારનું સંરક્ષણ અને માનવ અધિકારને પ્રોત્સાહિત કરવાનું કામ રાજ્ય સરકારની જવાબદારી છે. રાજ્ય સરકારે કસ્ટોડીયલ ડેથ રોકવા માટે પોલીસ તંત્રમાં સતત સુધારા પણ કરવા જોઈએ અને પોલીસ તંત્રને સંવેદનશીલ બનાવવું બંધારણીય જવાબદારી છે.