થોડા દિવસ પહેલા પાટણના સમીમાંથી ડોક્ટર પિતા-પુત્ર દ્વારા મહિલાઓ સાથે બળાત્કાર કરતા ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ હતી. ત્યારબાદ આ ઘટનાને પગલે પોલીસ દ્વારા બંને આરોપી ડોક્ટર મહેન્દ્ર મોદી અને કિસાન મોદીની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, આ ગામના મોટાભાગના પુરૂષો વિદેશમાં રહે છે. ત્યારે વિદેશ રહેતા પતિઓની ગેરહાજરીમાં ડોક્ટર પિતા-પુત્ર દ્વારા તેમની પત્નીઓનું પણ શોષણ થયું હોવાની શંકા સેવાઇ રહી છે. તો સારા પરિવારમાંથી આવતી મહિલાઓ સામે આવતા ડરી રહી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે કેટલાય પરિવારોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.
પાટણના સમી વિસ્તારમાં થોડા દિવસ પહેલા ડોક્ટર પિતા-પુત્રએ તેમના ક્લિનિકમાં મહિલાઓને કેવી રીતે તેમની વાસનાનો ભોગ બનાવે છે તેનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ ઘટનાને પગલે પાટણમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. જો કે, આ ઘટનાને પગલે પોલીસ દ્વારા મહેન્દ્ર મોદી અને કિસાન મોદીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, પાટણના સમી વિસ્તારમાં મહેન્દ્ર મોદી છેલ્લા 40 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો. તે દરમિયાન મહેન્દ્ર મોદીએ 2400 મહિલાઓને ગર્ભપાત કરાવ્યા હોવાનું પોલીસ પૂછપરછમાં કબુલાત કરી છે. ત્યારે પોલીસ વધુ તપાસ કરી રહી છે કે, મહેન્દ્ર મોદીએ કેટલી મહિલાઓને પોતાનો શિકાર બનાવી તેમજ અન્ય આ પ્રકારના કેટલા વીડિયો વાયરલ કર્યા છે તે સહિતની તપાસ કરી રહી છે.
ત્યારે આ ઘટનાને પગલે ગ્રામજનોનું કહેવું છે કે, સમીના મોટાભાગના લોકો વિદેશમાં નોકરી-ધંધા અર્થે રહે છે. તેઓ જ્યારે પણ ગામમાં આવે છે ત્યારે ડો. મહેન્દ્ર મોદી માટે ભેટ લઇને આવતા હોય છે. તેમજ તેમને 30 વર્ષમાં ક્યારે પણ પગરખા ખરીદ્યા નહી હોય. તો તેમની પુત્રીના લગ્નમાં પણ લોકોએ તેમને સોનાના સેટ ભેટમાં આપ્યા હતા.