અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા પદ પરથી દિનેશ શર્માના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસે મનપામાં વિપક્ષના નેતાના પદ પર કમલાબેન ચાવડાની પસંદગી કરવામાં આવી છે. કમલાબેન ચાવડા બેહરામપુરાના કોર્પોરેટર છે. તે સતત ચાર વાર બહેરામપુરાથી કોર્પોરેટરના રૂપમાં ચૂંટાયા છે. પહેલીવાર એક દલિત મહિલાને કોંગ્રેસે વિપક્ષના નેતા બનાવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં વિપક્ષના નેતા રહી ચૂકેલા દિનેશ શર્માને લઇને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંને ધારાસભ્યોના દબાણ બાદ દિનેશ શર્માએ વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ બેહરામપુરાના કોર્પોરેટર કમલાબેન કાંતિભાઇ ચાવડાને વિપક્ષના નેતા તરીકે ચૂંટ્યા છે.
વિપક્ષના નેતા પદેથી રાજીનામા બાદ દિનેશ શર્માના સમર્થકોમાં આક્રોશ ફેલાઇ ગયો છે. તેમનો આરોપ છે કે ધારાસભ્યોના દબાણના કારણે કોંગ્રેસે તેમની રાજીનામું લઇ લીધું છે. સમર્થકોનું કહેવું છે કે 6 નવેમ્બરના દિવસે અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. આખા શહેરમાં દિનેશ શર્માના સમર્થનમાં શક્તિ પ્રદર્શન યોજવામાં આવશે.