ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ-૧૨ની સામાન્ય પ્રવાહ, વિજ્ઞાાન પ્રવાહની પરીક્ષા ૧૨ માર્ચથી યોજાશે અને તે ૨૮ માર્ચના પૂરી થશે. ગુજરાતમાંથી ૧૭,૧૪,૯૭૯ આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના છે. બોર્ડની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં આ વખતે ઝોનની સંખ્યા ૧૩૫ અને કેન્દ્રની સંખ્યા ૧૫૪૮ છે. ધોરણ-૧૦ની પરીક્ષા ૧૨ થી ૨૩ માર્ચ દરમિયાન સવારે ૧૦ થી બપોરે ૧:૨૦ દરમિયાન યોજાશે. આ પરીક્ષા માટે કુલ ૧૧,૦૩,૬૭૪ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષા ૧૨ થી ૨૨ માર્ચ દરમિયાન બપોરે ૩ થી ૬:૩૦માં યોજાશે. જેના માટે કુલ ૧,૩૪,૬૭૧ વિદ્યાર્થીઓ છે. ૧૨ થી ૨૮ માર્ચ દરમિયાન સવારે ૧૦:૩૦થી બપોરે ૧:૪૫માં યોજાનારી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ૪,૭૬,૬૩૪ વિદ્યાર્થીઓ નોંધાયા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થીઓ કોઇ અગવડ વિના પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ પરીક્ષાઓ માટે કુલ ૧૩૫ ઝોનની વ્યવસ્થા કરાઇ છે. ૧૫૪૮ કેન્દ્રના ૫૪૮૩ બિલ્ડિંગમાં આ પરીક્ષા ૬૦૩૩૭ વર્ગખંડમાં લેવાશે. તમામ વર્ગખંડ પર સીસીટીવી/ટેબ્લેટ દ્વારા વોચ રખાશે. ' અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ૫૧૧૪૯, અમદાવાદ શહેરમાંથી ૬૯૩૯૦ એમ કુલ ૧,૨૦,૫૩૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. બીજી તરફ અમદાવાદ ગ્રામ્યમાં વિજ્ઞાાન પ્રવાહમાં ૭૧૧૩-શહેરમાં ૧૧૮૦, સામાન્ય પ્રવાહમાં ૨૧૮૫૯-શહેરમાં ૩૨૯૭૦ વિદ્યાર્થીઓ છે. ધોરણ ૧૦માં ૧૫૨, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૬૯, ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ૩૧ પરીક્ષા સ્થળો સીસીટીવી કેમેરાની સગવડ ધરાવે છે તેમ અમદાવાદ જિલ્લા ડીઇઓએ એક યાદીમાં જણાવ્યું છે.