ગુજરાતમાં ગઈકાલથી રાજ્યના તમામ જિલ્લાઓમાં 18થી 44ના વયજૂથના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના તમામ 33 જિલ્લાનાં 1200 કેન્દ્રો પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કહ્યું છે કે રાજ્ય સરકાર હજુ સુધી કોરોનાની ત્રીજી લહેરને લઈને ગંભીર ન હોવાનું જણાઈ રહ્યું છે. આ સાથે જ હાર્દિક પટેલે પંજાબ સરકારની જેમ ગુજરાતમાં પણ 100 ટકા વેક્સિનેશન કરનારાં ગામડાંને વિકાસ માટે વધુ ગ્રાન્ટ આપવાની માગણી કરી છે, જેથી એ 100 ટકા રસીકરણ કરવા માટે પ્રેરિત થાય
.હાર્દિક પટેલે પોતાના પત્રમાં લખ્યું છે, ભારત દેશના દરેક રાજ્યમાં કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન કોરોનાનું સંક્રમણ સતત વધતું રહ્યું હતું, જેથી કરીને ઘણાબધા પરિવારો આર્થિક રીતે અને પારિવારિક રીતે ભાંગી ગયા છે એમાં શંકાને કોઈ સ્થાન નથી અને હજુ આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવશે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કોરોના સામે એકમાત્ર હથિયાર 'કોરોના વેક્સિન' છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા ઝડપથી વેક્સિનેશન કરાય એ જરૂરી છે. હાલમાં જે ગતિએ 18થી 44 વર્ષના યુવાઓ તેમજ 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોના વેક્સિન આપવાની કામગીરી છેલ્લા મહિનાઓથી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, પરંતુ એમાં ધાર્યું પરિણામ નથી મળ્યું એ સરકાર પણ સમજે છે, પરંતુ સ્વીકારતી નથી.હાર્દિક વધુમાં કહે છે, ગુજરાત સરકાર કોરોનાની ત્રીજી લહેરને લઈને ગંભીર ન હોય એવું હાલની પરિસ્થિતિ જોતાં લાગી રહ્યું છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારો કોરોનામુક્ત થાય એ માટે 100 ટકા વેક્સિનેશન કરનારાં ગામોને વિકાસ માટે વધુ 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરાઈ છે. પંજાબ સરકારના તર્જ પર ગુજરાત સરકારે પણ ગામડાંમાં 100 ટકા વેક્સિનેશન થાય એવું કામ કરવું જોઈએ. જો સરકાર જાહેરાત કરે કે 100 ટકા વેક્સિનેશનની પ્રક્રિયા થશે એ ગામમાં વિકાસ માટે 5 લાખની વધુ ગ્રાન્ટ અપાશે, તો આ જાહેરાતથી કોરોના સામે લડાઈ વધુ મજબૂત બનશે અને વિકાસનાં કામમાં પણ વધારો થશે. એક ગુજરાતી તરીકે આપની પાસે મારી લાગણી અને માગણી વ્યક્ત કરી રહ્યો છું.