- પુરૂષોત્તમ રૂપાલાને ચૂંટણીપંચ તરફથી મોટી રાહત મળી
- એક કાર્યક્રમમાં સમાજ સામે નિવેદન બદલ ફરિયાદ નોંધાઈ હતી.
- ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરેઃ પાટીલ
રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાને ચૂંટણીપંચ તરફથી મોટી રાહત મળી છે. એક કાર્યક્રમમાં આચાર સંહિતા ભંગની ફરિયાદમાં રૂપાલને ક્લિનચીટ મળી છે. એક કાર્યક્રમમાં સમાજ સામે નિવેદન બદલ ફરિયાદ નોંધાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટમાં રૂપાલાને ક્લિનચીટ અપાઈ છે. ક્ષત્રિય સમાજ સામેના નિવેદન મુદ્દે આચાર સંહિતા ભંગ થઇ છે કે કેમ? તે મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. નોડલ ઓફિસર અને પ્રાંત અધિકારી દ્વારા તપાસ કરીને વીડિયો સહિત તમામ બાબતની ચકાસણી કરવામાં આવી હતી અને ગઇકાલે સાંજે જિલ્લા કલેક્ટરે તપાસનો રિપોર્ટ ચૂંટણીપંચને મોકલી આપ્યો હતો. આ રીપોર્ટમાં રૂપાલાને રાહત મળી છે.
ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરેઃ પાટીલ
રૂપાલા સામે સમગ્ર ગુજરાતમાં વિરોધ વધતાં ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના બંગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના જૂના જોગીઓને બોલાવી બેઠક યોજી હતી. આ બેઠક બાદ સી.આર.પાટીલે જણાવ્યું કે, પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પરની એક ટીપ્પણીને કારણે સમાજમાં રોષ ફેલાયો છે. ત્રણ વખત માફી માગી છતા રોષ ઓછો થતો નથી. ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે. ભૂલ માટે વારંવાર માફી માગી છે તેને ક્ષત્રિય સમાજ માફ કરી દે.
ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો
લોકસભા ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. આ રોષનું કારણ રુપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય રાજા રજવાડા અને બહેન દિકરીઓ પર કરેલી ટિપ્પણી હતી. ત્યારબાદ રોષ એટલો બધો વધ્યો કે સમગ્ર ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. રૂપાલાએ બે વખત માફી માગી છે પરંતુ રાજપુત સમાજનું કહેવું છે કે રૂપાલાએ કરેલી ભુલ માફીને પાત્ર નથી. રૂપાલાને ભાજપે ટિકિટ કાપવી જોઇએ. સમગ્ર રાજ્યમાં રાજપૂત સમાજ દ્વારા રૂપાલા સામે પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે.