માણસો કરોડપતિ હોય એ માન્યામાં આવે પણ કૂતરા કરોડપતિ હોય એ કેવી રીતે માન્યામાં આવે. મહેસાણા જિલ્લાના પાંચોટ ગામમાં કૂતરાઓને રાખવા માટે કરોડોની જમીન છે. શ્રીમંત પરિવારોએ દાનમાં આપેલી જમીન પર માઢની પાટી કૂતરિયા ટ્રસ્ટ શરૂ કરવામાં આવ્યું છે. આશરે 70 વર્ષ પહેલા ટ્રસ્ટ પાસે જમીન આવી હતી. પાંચોટનો વિકાસ થયો અને જમીનના ભાવ વધવા લાગ્યા ત્યારથી જમીન દાનમાં અપાતી બંધ થઈ ગઈ. જ્યારે જમીન દાનમાં અપાતી ત્યારે કોઈ દસ્તાવેજો થતા ન હતા એટલે આજની તારીખે પણ જમીન તો મૂળ જમીન માલિકના નામે જ છે. આજ સુધી ક્યારેય પણ કોઈ જમીન માલિક તરફથી જમીન પાછી લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો નથી, ભલે તેમની આર્થિક સ્થિતિ ગમે તે હોય. દર વર્ષે વાવણીની સિઝન પહેલા બેંક દ્વારા ટ્રસ્ટની જમીનના દરેક પ્લોટની હરાજી કરવામાં આવે છે. જે સૌથી વધારે બોલી લગાવે તેને એક વર્ષ માટે જમીન પર ખેતી કરવાનો હક મળે છે. આ સિસ્ટમને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે.
મહેસાણાના પાંચોટ ગામના સરપંચ કાંતાબેનના પતિ દશરથભાઈનું કહેવું છે કે, આ પ્રકારની સેવા ભાવના હોવાનું એક કારણ લોકોની ધાર્મિક ભાવના પણ છે. 6 હજારની વસ્તી ધરાવતા ગામમાં 15 મંદિરો છે. મને યાદ છે કે જ્યારે 60 વર્ષ પહેલા કૂતરાઓ માટે શીરો બનાવતા હતા ત્યારે હું પણ એ લોકો સાથે જોડાયો હતો. આજે 15 લોકોએ વિના મૂલ્યે કૂતરાઓને રોટલા ખવડાવવાની જવાબદારી ઉપાડી છે. 2015માં ટ્રસ્ટ દ્વારા ‘રોટલા ઘર’ નામની એક ઈમારત બનાવાઈ છે, જ્યાં બેસીને મહિલાઓ રોટલા બનાવે છે. તેઓ દરરોજ 20-30 કિલો લોટના 80 જેટલા રોટલા બનાવે છે. સાંજે 7.30 વાગ્યાની આસપાસ સ્વયંસેવકો હાથ લારીમાં રોટલા અને રોટલીના ટુકડા લઈને વહેંચવા માટે નીકળે છે. ગામમાં રહેતા કૂતરાઓને ગામના લોકો દ્વારા જ ખવડાવવામાં આવે છે. હાથ લારી લઈને નીકળતા સ્વયંસેવકો તો નજીકના ખેતરોમાં અને ગામની સીમાની બહાર રહેતા કૂતરાઓને ખવડાવે છે. મહિનામાં બેવાર પૂનમ અને અમાસના દિવસે કૂતરાઓને લાડવા પણ ખવડાવવામાં આવે છે. પાટીદારોની વસ્તી પાંચોટમાં વધારે છે. ઠાકોર અને પ્રજાપતિ વસ્તીમાં બીજા ક્રમે આવે છે. આ સમૃદ્ધ ગામ મુખ્યત્વે ખેતી અને વેપાર પર આધાર રાખે છે. ગામની મોટા ભાગની વસ્તી કમાવવા માટે દરરોજ મહેસાણા જાય છે.ચેરિટેબલ ટ્રસ્ટનું નામ કૂતરિયા હોવાથી ગામલોકો ફક્ત કૂતરાઓની જ સેવા કરે છે એવું નથી. ટ્રસ્ટના સ્વયંસેવકો પ્રાણીઓ અને પક્ષીઓ સુધી પણ પહોંચી તેમની સેવા કરે છે. ટ્રસ્ટને વાર્ષિક 500 કિલો ચણ પક્ષીઓ માટે મળે છે, ખાસ કરીને હોળીના દિવસે સૌથી વધુ દાન મળે છે. શિવગંગા હેલ્પલાઈન તરીકે ઓળખાતું ગામનું અબોલા ટ્રસ્ટે ગાયો માટે ACવાળું રહેવાનું સ્થળ બનાવ્યું છે. ટ્રસ્ટે પક્ષીઓ, વાંદરા અને અન્ય પ્રાણીઓ માટે રહેવાની અલગ વ્યવસ્થા કરી છે.