રાજ્યમાં બિનસચિવાલય પરીક્ષા લીક મામલે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં આપના નેતાઓ અને મહિલા કાર્યકરોની ધરપકડ થતા દિલ્લીથી આપના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ તાત્કાલિક અમદાવાદ આવી પહોંચ્યા છે અને તેઓએ સમગ્ર ઘટના મામલે માહિતી મેળવી આગળની રણનીતિ માટે આપના અન્ય નેતાઓ સાથે ચર્ચા કરી છે. આપના નેતાઓની ધરપકડ મામલે બે દિવસમાં દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવે તેવી સંભાવના છે. આગામી દિવસોમાં આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા આંદોલન વધુ ઉગ્ર બની શકે છે. આજે બપોરે ગુલાબસિંહ યાદવ પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ કરી આગામી રણનીતિ વિશે માહિતી આપશે.કમલમ પર આમ આદમી પાર્ટી (AAP) દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ભાજપની મહિલાઓ અને કાર્યકરોને આપના કાર્યકરો અને આગેવાનો દ્વારા માર મારવામાં આવ્યા અને છેડતી કરી હોવાના તથા અન્ય આક્ષેપો સાથે ફરિયાદ કરી હતી.
આ મામલે પોલીસે 65 પુરુષ અને 28 મહિલાઓ એમ કુલ 93 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાંથી મહિલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં તેમના જામીન નામંજૂર કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે બાકીના 65 પુરુષ આરોપીઓને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.ગઈકાલે બપોરે 3:30 વાગે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરવાના હતા. જેથી કોર્ટની બહાર આમ આદમી પાર્ટીના કાર્યકરો, આગેવાનો અને વકીલ રાહ જોઈ રહ્યા હતા. પરંતુ પોલીસ દ્વારા 5:30 વાગે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવાના શરૂ કર્યા હતા. સૌ પ્રથમ નિખિલ સવાણી અને અન્ય 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ અન્ય 14 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રવીણ રામ અને અન્ય 13 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા પછી ઇસુદાન ગઢવીને અન્ય 13 આરોપીઓ સાથે રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગોપાલ ઇટાલીયા અને 13 આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. આમ 5 તબક્કામાં 65 આરોપીઓ ને 5:35થી 6:55 સુધી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓમાં એક માત્ર ઇસુદાન ગઢવીને DySPની ગાડીમાં કોર્ટમાં લાવવા આવ્યા હતા.