ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ દ્વારા ગાંધીનગરમાં કરાયેલા વિરોધપ્રદર્શન મામલે 6 આગેવાન સહિત 70 જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ બાદ હાલમાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે. ગોપાલ ઈટાલીયા, ઈસુદાન ગઢવી તેમજ પ્રવીણ રામ સહિત તમામ 64 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ઓળખ પરેડ કર્યા બાદ લઈ જવામાં આવ્યાં છે. કેજરીવાલના પોસ્ટર સાથે ઇટલીયા પોલીસવાનમાં કોર્ટ પરિસરમાં જોવા મળ્યા હતા. ઇટલીયાએ કોર્ટ રૂમની બહાર ભારત માતા કી જય અને આમ આદમી પાર્ટી ઝીંદબાદના નારા લગાવ્યા હતા.
ખાનગી બસના માલિકો વતી વકીલે કોર્ટમાં રજૂઆત કરતા જણાવ્યું કે, અમને અક્ષરધામ દર્શન કરવા જવાનું કહીને લાવ્યા હતા. વ્યક્તિઓ કઈએ પાર્ટીના છે એ મને ખબર ન હોય. રસ્તામાં વાહન ઉભી રાખીને લોકો ગયા હતા. અમારા ડ્રાઈવર અને કંડક્ટર કોઈ કમલમમાં ગયા હોય અથવા એવુ કૃત્ય કર્યું હોવાનો કોઈ પુરાવો રજૂ કર્યો નથી. અન્ય 2 આરોપીને કાલે PSI ની પરીક્ષા હોવાથી તેમને જામીન આપવા રજુઆત થઈ છે. બીજીતરફ પોલીસ કેસ ડાયરી રજૂ ના કરી હોવાથી જજે તાત્કાલિક કેસ ડાયરી લાવવા પોલીસને આદેશ કર્યો છે.