સુરતમાં બાળકીઓ પર દુષ્કર્મ આચરનારા આરોપીઓને કોર્ટ આકરી સજા ફટકારી રહી છે. ત્યારે છેલ્લા લિંબાયત વિસ્તારની 15 વર્ષીય સગીરા છેલ્લા દોઢ માસથી ગૂમ હતી. જેને શોધવા માટે પરિવારજનોએ ભારે રઝળપાટ કરી હતી. અંતે પોલીસની મદદથી આંધ્રપ્રદેશથી સગીરાને શોધી કાઢવામાં આવી હતી.
સગીરાની પૂછપરછમાં કેટરિંગના ધંધાની આડમાં સગીરાઓની સોદાબાજી થતી હોવાના ચોંકાવનારા નેટવર્કનો પર્દાફાશ થયો છે. સગીરાને કેટરિંગમાં નોકરીના બહાને ડીસા લઇ જઇ દલાલ મારફતે રાજસ્થાની યુવકને 4 લાખમાં વેચી દેવાઇ અને આ યુવક બળજબરીથી લગ્ન કરી આંધ્રપ્રદેશ લઈ જઈ સગીરાનું યૌનશોષણ કરતો હોવાનો ખુલાસો થયો હતો.
લિંબાયતના ખાનપુરા ખાતે રહેતી 15 વર્ષીય માહરૂહ (નામ બદલ્યું છે) ને શબનમ નામની પરિચિત મહિલા ગત તા. 19મી ઓક્ટોબરના રોજ અમદાવાદ કેટટિરંગના કામાર્થે લઇ ગઇ હતી. અમદાવાદથી રેહાના માસી સાથે તેઓ કેટરિંગના કામ માટે બનાસકાંઠાના ડીસા ખાતે કાલુસિંહ ઠાકોરના ઘરે ગયા હતા. કાળુસિંહે કેટરિંગના કામ માટે એક જ છોકરીની જરૂર છે-એમ કહી માહરૂહને સાથે રાખી 3-4 દિવસ પછી બોલાવવાનું કહી રેહાના અને શબાનાને પરત મોકલી આપી હતી. આ બંનેના ગયા બાદ કાળુસિંહે રાજસ્થાનના વતની એવા ઉત્તમસિંહ સાથે માહરૂહનો સોદો કરી નાંખ્યો હતો. 4 લાખમાં માહરૂહને વેચી દીધી હતી.વેચાણ થયા બાદ બળજબરીથી ફૂલહાર કરી ઉત્તમસિંહ અને માહરૂહનાં લગ્ન પણ કરાવી દેવાયા હતા. માહરૂહએ વિરોધ કર્યો તો તેણીને ધાકધમકી અપાઇ હતી. અહીં કાળુસિંહની પત્ની પાયલ અને ચંદ્રિકા નામની મહિલાએ સગીરા સાથે મારઝૂડ પણ કરી હતી. ત્યારબાદ ઉત્તમસિંહ સાગરીતો સાથે મળી પીડિતા માહરૂહને કારમાં વતન રાજસ્થાનના ભીમાર લઇ ગયો હતો. અહીં પોતાના ઘરે પાંચેક દિવસ માહરૂહને રાખી ધાકધમકી આપી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ઉત્તમસિંહ સગીરાને ફલાઇટમાં બેસાડી આંધ્રપ્રદેશ લઇ ગયો હતો. જ્યાં તેને આંધ્રપ્રદેશના ગૌદાવરી જિલ્લામાં અન્નાવરમ ખાતે એક ભાડાના મકાનમાં એકાદ મહિનો રાખી વારંવાર યૌનશોષણ કર્યું હતું.
માહરૂહને લેવા આંધ્રપ્રદેશ પહોંચેલી શબાનાને ઉત્તમસિંહે જણાવ્યું કે, " યે લડકી કો ચાર લાખ મેં મૈંને કાળુસિંહ કે પાસ ખરીદ લીયા હૈ, લડકી કી મા કો બોલો કે મેરે ચાર લાખ રૂપિયા દે ઔર તુમ દોનો કો યહાં સે લે કે જાયે". આ વાત સાંભળી શબાના ચોંકી ગઇ હતી. શબાનાએ આંધ્રપ્રદેશથી માહરૂહના પરિવારજનોને કોલ કરી સમગ્ર હકીક્ત જણાવી હતી. ત્યારબાદ માહરૂહના પરિવારજનો સ્થાનિક સામાજિક આગેવાન અને AIMIM સુરત શહેર અધ્યક્ષ વસિમ કુરેશી અને લિંબાયત પોલીસની મદદ લઇ આંધ્રપ્રદેશ ગયા હતા, જ્યાં અન્નાવરમ પોલીસને સાથે રાખી ઉત્તમસિંહના ઘરે દરોડા પડાયા હતા. આ રીતે સગીરા માહરૂહ અને શબાનાને મુક્ત કરાવાઇ હતી. આંધ્ર પોલીસે ઉત્તમસિંગને અટકાયતમાં લીધો હતો.માનવ તસ્કરીનો ભોગ બનનારી પીડિતા માહરૂહને ઉત્તમસિંગે આધ્રપ્રદેશ ખાતે એક રૂમમાં ગોંધી રાખી હતી. જ્યા ઉત્તમસિંગે 4 લાખમાં કાળુસિંગ પાસે ખરીદી હોવાની પણ પીડિતાને હકીકત જણાવી હતી.
થોડા દિવસો પછી ઉત્તમસિંહે શબાનાને કોલ કરી માહરૂહના આઇડી પ્રફ લઇને આંધ્રપ્રદેશના એડ્રેસ પર બોલાવી હતી. શબાના પીડિતા માહરૂહના આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ લઇ આંધ્રપ્રદેશના અન્નાવરમ ગઇ તો ત્યા ઉત્તમસિંહે માહરૂહ સાથે શબાનાને પણ એક રૂમમાં ગોંધી દીધી હતી.આધ્રપ્રદેશથી પરત સુરત ફરેલી સગીરા માહરૂહએ લિંબાયત પોલીસ સમક્ષ સમગ્ર હકીકત બયાન કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. લિંબાયત પોલીસે આ મામલે ઝીરો નંબરથી અપહરણ, બળાત્કાર, મારપીટ, ધાકધમકી, માનવ તસ્કરી અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો અને બાદમાં આ ફરિયાદ ડીસા રૂરલ પોલીસને ટ્રાન્સફર કરી દીધી હતી. છોકરીઓની - સોદાબાજીના મુખ્ય સૂત્રધાર કાળુસિંહ ઠાકોર સહિત 8 જણા સામે ગુનો નોંધાયો હતો.સામાજિક કાર્યકરની મદદથી સદભાગ્યે સુરત આવી પહોંચેલી એ માસમ તરુણી સાથે થયેલા દુષ્કર્મના ગુનાનો પ્રારંભ આમ તો અમદાવાદથી થયો છે. રેહાનાએ પોતાના પરીચિતોની મદદથી કેટરિંગના કામ માટે તરુણીને અમદાવાદ બોલાવી તરુણીની અનિચ્છાએ કાળુસિંહના હવાલે કરી. કાળુસિંહે તરુણીનો સોદો કર્યો. ચંદ્રિકા અને ભુરસિંહે તરુણી શરણે ન થઈ ત્યાં સુધી તેની પર અત્યાચાર ગુજાર્યો, તરુણીને ખરીદનાર ઉત્તમસિંહે આંધ્રપ્રદેશ લઈ જઈ દષ્કર્મ ગુજાર્યો ગુનાની આ હકીકતમાં રેહાના પ્રથમ ક્રમે આવતી હોય ત્યારે તેની ભૂમિકા ચોક્કસ જ તપાસનો વિષય છે.