1961માં ભાવનગર બાદ આજે અમદાવાદમાં કોંગ્રેસ CWCની બેઠક
, મંગળવાર, 12 માર્ચ 2019 (12:22 IST)
58 વર્ષ બાદ આજે ગુજરાતામાં કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC) ની બેઠક મળશે, છેલ્લે ગુજરાતમાં 1961માં ભાવનગર ખાતે CWCની બેઠક મળી હતી. આ બેઠકમાં દેશની આર્થિક,રાજકીય,આંતરિક અને બાહ્ય સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા થશે. બેઠક બે કલાક ચાલશે. બીજી બાજુ ભાજપ એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની પડખે લાવી રહ્યું છે. 4 દિવસમા ત્રણ ધારાસભ્યો આવી ચૂક્યા છે. કેટલાક લાઈનમાં હોવાનું પણ કહેવાય છે. લોકસભાની ચૂંટણીને કારણે એકબીજાના સભ્યો તોડવાની પ્રવૃત્તિમાં તેજી આવી છે. બંને પક્ષો વધુને વધુ બેઠકો જીતવા માટે પોતાની રીતે રાજકીય સોંગઠા ગોઠવી રહ્યા છે. મંગળવારે કોંગ્રેસની રાષ્ટ્રીય વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ રહી છે તે પહેલા જ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની ગતિવિધિ તેજ બનાવી દીધી છે. ભાજપને કોંગ્રેસના પંજામાંથી વધુ એક ધારાસભ્ય ખેરવવામાં સોમવારે સફળતા મળી છે. જામનગર ગ્રામ્યના કોંગ્રેસના ધારાસભ્ય વલ્લભ ધારવિયા કોંગ્રેસ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. આ પહેલા બપોરે 12 કલાકે તા. 8 માર્ચે રાજીનામું આપનાર કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.વર્ષ 2012થી 2017 સુધીમાં ભાજપે કોંગ્રેસના 17 ધારાસભ્યોને તોડ્યા છે જે પૈકી માત્ર 2 હાલ ધારાસભ્ય છે બાકીના 15 ચૂંટાઇ શક્યા નથી કાં તો ટિકિટ અપાઇ નથી એટલે કે, 15 ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં આવી શકયા નથી.
આગળનો લેખ