Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજથી 'મારું ગામ-કોરોનામુક્ત ગામ' અભિયાનનો શુભારંભ

આજથી 'મારું ગામ-કોરોનામુક્ત ગામ' અભિયાનનો શુભારંભ
, શનિવાર, 1 મે 2021 (08:26 IST)
ગુજરાતમાં કોરોનાના સંક્રમણને ખાળવા તમામ ગ્રામીણ વિસ્તારો પણ વધારે જાગૃત અને જવાબદાર બને અને કોરોનાનું સંક્રમણ રોકવાના રાજ્ય સરકારના પ્રયત્નોમાં  ગ્રામીણ વિસ્તારો પણ નિર્ણાયક જવાબદારી અદા કરે તેવા આશય સાથે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, તા. ૧લી મેથી સમગ્ર રાજ્યમાં 'મારું ગામ-કોરોનામુક્ત ગામ' અભિયાનનો જુસ્સાભેર આરંભ થઇ રહ્યો છે. 
 
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે 10:30 વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનનો શુભારંભ કરાવશે અને રાજ્યના તમામ ગામોના સરપંચ, ઉપસરપંચ અને ગામના આગેવાનોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આ પ્રસંગે પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર પણ ઉપસ્થિત રહેશે.
 
કોરોના સામેની લડતમાં મહાનગરોની સાથે સાથે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોએ પણ વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે.  ગુજરાતના નાનામાં નાના ગામમાં રહેતો નાગરિક પણ વધારે સજાગ અને સાવચેત થશે તો જ કોરોના સામેની આ જંગ જીતી શકાશે. ગ્રામીણ આગેવાનો 'મારુ ગામ-કોરોનામુક્ત ગામ' બને તે માટે સંકલ્પ પણ લેશે. કોરોનાને હરાવવાના રાજ્ય સરકારના પ્રયત્નોમાં સહભાગી થવા દરેક ગામમાં એક સશક્ત ટીમ તૈયાર કરવામાં આવશે, જેના નેતૃત્વમાં દરેક ગામ કોરોના સામે નિર્ણાયક લડત આપશે.
 
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, તા. ૧ લી મે 2021 થી 'મારુ ગામ-કોરોનામુક્ત ગામ' અભિયાનો  રાજ્યવ્યાપી શુભારંભ કરાશે. ગ્રામીણ કક્ષાની સાથોસાથ તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી પણ આગેવાનો આ અભિયાનમાં જોડાશે. તાલુકા કક્ષાએ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન આ અભિયાનમાં જોડાશે. એટલું જ નહીં તાલુકા પંચાયતના અન્ય હોદ્દેદારો અને તાલુકા વિકાસ અધિકારી પણ આ અભિયાનમાં સહભાગી થશે.
 
'મારુ ગામ - કોરોનામુક્ત ગામ'  અભિયાનના શુભારંભ પ્રસંગે જિલ્લા કક્ષાએથી જે તે જિલ્લાના પ્રભારી મંત્રીઓ જોડાશે. એટલું જ નહીં જે તે જિલ્લાના કલેક્ટર, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન અને અન્ય સમિતિઓના ચેરમેનો પણ કલેકટર કચેરીએથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનમાં જોડાશે. જ્યારે જિલ્લા પંચાયતના અન્ય સભ્યો, જિલ્લા વિકાસ અધિકારી સાથે જે-તે જિલ્લાની જિલ્લા પંચાયત ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ અભિયાનના શુભારંભમાં સહભાગી થશે.
 
કોરોનાના  સંક્રમણને રોકવા રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયત્નો પુરી પ્રમાણિકતા અને નિષ્ઠા સાથે કરી રહી છે. તમામ જરૂરી પગલાં યુદ્ધના ધોરણે લેવાઈ રહ્યા છે. ગુજરાતનો એકેએક નાગરિક રાજ્ય સરકારના આ પ્રયત્નોમાં સહભાગી થાય અને દરેક વ્યક્તિ એક સિપાહીની જેમ આ લડતમાં જોડાશે તો કોરોના સામેની આ લડત વધારે આસાન થશે. ' મારુ ગામ-કોરોનામુક્ત ગામ' અભિયાન આ દિશામાં રાજ્ય સરકારની એક નિર્ણાયક પહેલ સાબિત થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભરૂચમાં પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ, 12 દર્દીઓ સહિત 15 ના મોત