suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ્યભરમાં HPV રસીકરણનો પ્રારંભ: 5 લાખથી વધુ કિશોરીઓને સુરક્ષા કવચ મળશે

Free Vaccination Scheme
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે આજથી રાજ્યભરમાં સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) સામે રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. આ મહાઅભિયાન અંતર્ગત 14 થી 15 વર્ષની વયજૂથની કિશોરીઓને HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) રસી આપવાનું શરૂ કરાયું છે. સમગ્ર ગુજરાતમાં અંદાજે 5,00,000 થી વધુ કિશોરીઓને આ રસી આપીને જીવલેણ કેન્સર સામે સુરક્ષિત કરવામાં આવશે. વાલીઓની લેખિત પરવાનગી અને ઉંમરના પુરાવા ચકાસ્યા બાદ જ રસી મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
 
સાબરકાંઠામાં 14,000 દીકરીઓ માટે આયોજન
 
સાબરકાંઠા જિલ્લામાં આ અભિયાનને વેગ આપતા 14 વર્ષથી ઓછી ઉંમરની અંદાજે 14,000 જેટલી દીકરીઓને નિઃશુલ્ક રસી આપવાની શરૂઆત કરાઈ છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલ સહિત જિલ્લાના તમામ પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આગામી 3 માસમાં જિલ્લાની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને આવરી લેવા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આવનારા સમયમાં આ રસી પ્રાથમિક શાળાઓ મારફતે પણ આપવામાં આવશે.
 
મોંઘી રસી હવે સરકારી કેન્દ્રો પર મફત
 
સર્વાઇકલ કેન્સરની આ રસી ખાનગી હોસ્પિટલોમાં અત્યંત મોંઘી હોય છે, જ્યાં એક ડોઝના 3,000 થી 6,000 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવે છે. આટલી ઊંચી કિંમતને કારણે અનેક પરિવારો પોતાની દીકરીઓને આ સુરક્ષા આપી શકતા નહોતા. હવે સરકાર દ્વારા આ રસી તમામ સરકારી હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટરો પર મફતમાં ઉપલબ્ધ કરાવતા વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાના 44 જેટલા અર્બન હેલ્થ સેન્ટરો પર પણ પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વાલીઓ પોતાની દીકરીઓને લઈને પહોંચ્યા હતા.
 
કેન્સર મુક્ત ભવિષ્ય તરફ કદમ
 
વધતા જતા કેન્સરના કેસો સામે કેન્દ્ર અને રાજ્ય સરકારનો આ પ્રયાસ પાયારૂપ સાબિત થશે. પ્રધાનમંત્રી દ્વારા રાજસ્થાનથી શરૂ કરાયેલા આ રાષ્ટ્રીય અભિયાનનો હેતુ મહિલાઓના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાનો છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, નાની ઉંમરે આપવામાં આવતી આ રસી ભવિષ્યમાં સર્વાઇકલ કેન્સરના જોખમને મહદઅંશે ઘટાડે છે. સ્થાનિક કક્ષાએ આરોગ્ય તંત્ર દ્વારા વ્યાપક જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી વધુમાં વધુ કિશોરીઓ આ રસીનો લાભ લઈ શકે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોળી અને રમઝાન પૂર્વે પોલીસ એક્શનમાં: અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં રાત્રિ ફુટ પેટ્રોલિંગ