નાગરિકતા આંદોલન ઈફેકટ: અમિત શાહની બે દિવસની ગુજરાત મુલાકાત રદ થયાની ચર્ચાઓ
, ગુરુવાર, 19 ડિસેમ્બર 2019 (15:38 IST)
દેશમાં નાગરિકતા કાનૂન સામેના સતત વધી રહેલા વિરોધ અને આજે અનેક રાજયોમાં આપવામાં આવેલા બંધના એલાનને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહમંત્રી પણ અમીત શાહે તેમની આજથી શરૂ થનારી બે દિવસની ગુજરાત મુલાકાત રદ કરી છે. શાહ આજે ઉંઝામાં ચાલી રહેલી ઉમીયા માતાના યજ્ઞમાં હાજરી આપવાના હતા અને બાદમાં તેઓએ પોતાના મત ક્ષેત્ર ગાંધીનગરમાં અનેક વિકાસ કામોનો પ્રારંભ પણ કરનાર હતા. શાહે આજે તેઓ ઉમીયા માતાના યજ્ઞમાં હાજરી આપી શકશે નહી તેવું જણાવીને આવતીકાલે આપવાની શકયતા દર્શાવી હતી પણ હવે તે રદ કરી છે તથા તા.22ના તેઓ હાજરી આપવા પ્રયાસ કરશે તેવું આયોજકોને જણાવ્યું છે. જો કે અગાઉ શાહની આ મુલાકાત સમયે કડવા પાટીદાર સમાજના કેટલાક લોકો તેનો વિરોધ કરશે તેવા સંકેત હતા. પાટીદાર અનામત આંદોલન સમયે જે રીતે પાટીદારો પર પોલીસ દમન થયું તેમાં અમિત શાહની ભૂમિકા સામે આંગળી ચિંધવામાં આવી હતી. જો કે આયોજકોએ કહ્યું કે વિરોધ પ્રદર્શનનો કોઈ પ્રશ્ર્ન જ ન હતો. ફકત થોડા લોકોએ પબ્લીસીટી મેળવવા આ પ્રકારના સંદેશા વાયરલ કર્યા હતા. આ એક ધાર્મિક આયોજન છે જેમાં રાજકારણને કોઈ સ્થાન જ નથી. જો કે શાહની મુલાકાતનો વિરોધ કરનાર પાટીદાર અગ્રણી ધનજીભાઈ પાટીદારે કહ્યું કે અમારો વિરોધ કોઈ હોદા સામે નહી વ્યક્તિ સામે છે. અમો વડાપ્રધાનને ખૂબ જ હૃદયપૂર્વક આવકારીએ છીએ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ કાલે સ્વાગત કર્યુ હતું પણ અમીત શાહ નહી. તેઓએ અમારા યુવાનો સામે જે કર્યુ તે અમોને સ્વીકાર્ય નથી.
આગળનો લેખ