રીક્ષા ચાલકોના સંગઠન સાથેની બેઠક બાદ પરિવહન મંત્રી પૂર્ણેશ મોદીએ રાજ્યમાં રીક્શાના 1.2 કિમી અંતર માટેના ન્યૂનતમ દરોમાં 2 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. આ સાથે જ 1.2 કિમી માટેનું મિનિમમ ભાડું 18 રૂપિયાથી વધીને 20 રૂપિયા થઈ ગયું છે. રીક્ષા ચાલકોના સંગઠન દ્વારા મિનિમમ ભાડું (1.2 કિમી માટે) 18થી વધારીને 30 રૂપિયા કરવાની માગણી કરવામાં આવી હતી. જોકે માત્ર 2 રૂપિયાના ભાવવધારા માટેની મંજૂરી આપવામાં આવી છે અને મિનિમમ ભાડું 18થી વધારીને 20 રૂપિયા જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ રીક્ષા ચાલકોના યુનિયન સાથેની વાટાઘાટો પૂર્ણ થયાની જાહેરાત કરી છે. આ સાથે જ લાગુ કરવામાં આવેલો નવો ભાવવધારો આગામી 10મી જૂનના રોજથી અમલી બનશે. ઉપરાંત અગાઉ 1.2 કિમી બાદની મુસાફરી પર પ્રતિ કિમીએ 13 રૂપિયા ભાડું ગણવામાં આવતું હતું. તેમાં પણ 2 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે જેથી હવેથી પ્રતિ કિમીનો રનિંગ ફેર 15 રૂપિયા ગણવામાં આવશે. પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે આગામી 31 માર્ચ 2023 સુધી ભાડામાં કોઈ નવા વધારાની માગણી નહીં થઈ શકે. રીક્ષા ચાલકોના સંગઠન સાથે સમાધાન દરમિયાન એવી શરત રાખવામાં આવી છે કે, આગામી તા. 31 માર્ચ 2023 સુધી કેન્દ્ર સરકારનો ગેસનો ભાવ વધે કે, રાજ્ય સરકાર ગેસના ટેક્ષમાં વધારો કરે તે છતાં રીક્ષાના ભાડામાં વધારો કરવાની કોઈ માગણી કે આંદોલન નહીં કરવામાં આવે. ભાવવધારાને ઉદાહરણ સાથે સમજીએ તો અગાઉ 2 કિમીની મુસાફરી કરવા પર શરૂઆતના 1.2 કિમીના 18 રૂપિયા ગણવામાં આવતા હતા અને તેના પછીની એક કિમીની મુસાફરી માટે 13 રૂપિયા ભાડું ગણવામાં આવતું હતું. આમ અગાઉ 2 કિમી મુસાફરી માટે 31 રૂપિયા થતા હતા. નવા ભાવવધારા બાદ 2 કિમીની મુસાફરી માટે શરૂઆતના 1.2 કિમીનું 20 રૂપિયા ભાડું અને ત્યાર બાદના એક કિમી માટે 15 રૂપિયા ભાડું ગણાશે. આમ હવેથી કુલ 2 કિમીની મુસાફરી માટે 31ના બદલે 35 રૂપિયા ચુકવવા પડશે.