કોરોનાના કેસમાં ઘટાડો થતાં ગુજરાત હવે 'અનલોક' થઇ ગયું છે અને જેના ભાગરૃપે ૨૭ જૂનથી સિનેમાગૃહો, મલ્ટિપ્લેક્સ, ઓડિટોરિયમને ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે. જોકે, સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હોવા છતાં અમદાવાદના તમામ મલ્ટિપ્લેક્સ અને મોટાભાગના સિનેમાગૃહોના દ્વાર બંધ જ રહ્યા હતા.
અમદાવાદના મોટાભાગના મલ્ટિપ્લેક્સ હજુ આવતા શુક્રવારથી શરૃ કરવામાં આવે તેની સંભાવના છે. માત્ર અમદાવાદ શહેરમાં ૪૮ જ્યારે રાજ્યભરમાં ૧૫૦૦થી વધુ મલ્ટિપ્લેક્સ આવેલા છે. સરકાર દ્વારા મંજૂરી છતાં અમદાવાદના મોટાભાગના મલ્ટિપ્લેક્સ આજે બંધ રહ્યા હતા. આ અંગે એક મલ્ટિપ્લેક્સ સંચાલકે જણાવ્યું કે, 'સિનેમાગૃહોને શરૃ કરવાનો સરકારનો નિર્ણય આવકારદાયક છે. પરંતુ હજુ મલ્ટિપ્લેક્સમાં સેનિટાઇઝેશનની કામગીરી બાકી છે. અનેક મલ્ટિપ્લેક્સ પાસે હાલમાં પૂરતો સ્ટાફ પણ નથી. આ ઉપરાંત હાલમાં થિયેટર માટે કોઇ નવી ફિલ્મ રીલિઝ થઇ પણ નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદના મોટાભાગના મલ્ટિપ્લેક્સ હજુ આવતા શુક્રવાર બાદ જ શરૃ થઇ શકે છે.
આગામી શુક્રવારથી મલ્ટિપ્લેક્સ ખોલ્યા બાદ કઇ ફિલ્મો દર્શાવી શકાય તેના અંગે આવતીકાલે અમદાવાદના મલ્ટિપ્લેક્સના સંચાલકોની મીટિંગ છે. હાલના તબક્કે અમે તમામ સ્ક્રીનનો પ્રારંભ નહીં કરીએ. લોકોના પ્રતિસાદને આધારે તબક્કાવાર સ્ક્રીનની સંખ્યા વધારવામાં આવશે. ' અન્ય એક મલ્ટિપ્લેક્સ સંચાલકે જણાવ્યું કે, 'સરકારનો વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપવાનો નિર્ણય આવકારદાયક છે. પરંતુ હજુ ૨૦૨૦-૨૧ માટે લાખો રૃપિયાનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવાનો બાકી છે અને તેમાં પણ રાહત માટે સરકારને દરખાસ્ત કરીશું. ' જાણકારોના મતે કોરોનાના કેસ ઘટાવાની સ્થિતિ યથાવત્ રહી તો પણ મલ્ટિપ્લેક્સ સંપૂર્ણપણે શરૃ થવામાં હજુ વાર લાગી શકે છે. આ માટેનું કારણ એ છે કે, હાલમાં કોઇ ફિલ્મ રીલિઝ થવાની નથી. ગુજરાતીમાં ૩૦-૪૦ ફિલ્મો રીલિઝ માટે તૈયાર છે. પરંતુ વર્તમાન સ્થિતિમાં કોઇ પ્રોડયુસર ફિલ્મ રીલિઝ કરવાનું જોખમ લેવા માગે નહીં તે સ્વાભાવિક છે. મલ્ટિપ્લેક્સ જેવી જ સ્થિતિ ઓડિટોરિયમની છે. જેમાં પણ હાલમાં કોઇ નાટક કે મ્યુઝિકલ શોનું આયોજન કરવા માટે આયોજકો અવઢવમાં છે. અન્ય એક જાણકારે જણાવ્યું કે, 'ફ્લાઇટ-બસમાં ૧૦૦% ક્ષમતાને મંજૂરી આપવામાં આવે છે તો મલ્ટિપ્લેક્સમાં જ માત્ર ૫૦%ને મંજૂરી શા માટે? ૫૦% ક્ષમતા સાથે સિનેમાઘર કે ઓડિટોરિયમને મંજૂરી આપવામાં આવે તો તેનાથી સંચાલકો માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘું થઇ જાય તેવી સ્થિતિ સર્જાય. મલ્ટિપ્લેક્સ, ઓડિટોરિયમ માત્ર લોકો માટે મનોરંજન હશે પરંતુ લાખો પરિવારોની રોજીરોટીનો તે આધાર છે.